
રાજપીપળા, 20 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અભિયાન અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ તથા ગરુડેશ્વર તાલુકાના ખડગદા ખાતે જાહેરસભામાં સંબોધન કર્યું હતું.
જગદીશ વિશ્વકર્માએ તેમના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનું ગૌરવ વિશ્વ સ્તરે વધાર્યું છે. જે નર્મદા ડેમનું સપનું સરદાર પટેલે જોયું હતું, તેને પૂર્ણ કરવાની પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ સાથે મોદીએ દાખવીને તેને પૂર્ણ કર્યો છે.
ભૂતકાળમાં કોંગ્રેસના ઇરાદાપૂર્વકના અવરોધક વલણને કારણે ડેમની ઊંચાઈ વધારવામાં જે વિલંબ થયો અને લાખો ક્યુસેક પાણી વહી જતું હતું, ત્યારે મોદીએ વડાપ્રધાન બન્યાના માત્ર 17 જ દિવસમાં દરવાજા લગાવવાની મંજૂરી આપીને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું કાર્ય પૂર્ણ કર્યું છે. આજે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસન ક્ષેત્રે સહેલાણીઓ માટે પસંદગીનું સ્થાન બન્યું છે. કેવડિયામાં પિંક રિક્ષા દ્વારા બહેનો આત્મનિર્ભર બની છે અને પ્રવાસનના વિકાસથી મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થયું છે.
વિપક્ષની નકારાત્મક માનસિકતા પર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ માત્ર ચૂંટણી ટાણે દેખાતી અને ત્યારબાદ અદ્રશ્ય થઈ જતી પાર્ટી છે. જેમણે નારીશક્તિ વંદન અધિનિયમનો વિરોધ કરીને દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન કર્યું છે, તેમને હવે રાજ્યની માતા-બહેનો જડબાતોડ જવાબ આપશે. ભાજપા પ્રત્યેના જનતાના અતૂટ વિશ્વાસનું પરિણામ છે કે વિપક્ષને ઉમેદવાર શોધવામાં પણ ફાંફા પડ્યા છે. કે આજે રાજ્યમાં 700 થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. કમળના ફુલવાળી પાર્ટી માત્ર વાતોમાં નહીં, પણ આયોજનબદ્ધ વિકાસમાં માને છે. ગુજરાતના વિકાસની ગાથા આજે ઘર-ઘર સુધી પહોંચી છે.
ભાજપ સરકાર માટે અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લાના ૫૨ તાલુકાઓમાં વસતા આદિવાસી ભાઈ-બહેનોનો સર્વાંગી વિકાસ હંમેશા પ્રાથમિકતા રહ્યો છે. નરેન્દ્ર મોદી એક આદિવાસી સમાજની દીકરી દ્રૌપદી મુર્મૂને દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ માટે પસંદ કરી સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.
બંગાળમાં દ્રૌપદી મુર્મૂનું થયેલું અપમાન એ આદિવાસી સમાજની અસ્મિતા પર પ્રહાર છે. જે શાસનમાં કેન્દ્રના 1 રૂપિયામાંથી માત્ર 15 પૈસા પહોંચતા હતા, તેની સામે આજે મોદી સરકારમાં વચેટિયાઓ વગર પુરે પૂરી સહાય લાભાર્થીના ખાતામાં જમા થાય છે. તેઓએ મહત્તમ મતદાન સાથે ભાજપાના સૌ ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવા માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપા અધ્યક્ષ નીલકુમાર રાવ, જિલ્લા ભાજપા પ્રભારી અર્જૂન ચૌધરી, ધારાસભ્યઓ, સંગઠનના પદાધિકારીઓ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ