
અમરેલી, 20 એપ્રિલ (હિ.સ.) આજરોજ બગસરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગૉડલીયા તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રભારી અભેસિંહ ચૌહાણ શુભેચ્છા મુલાકાતે હાજર રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જે. વી. કાકડિયા પણ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક દરમિયાન સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓને સક્રિય બનાવવાની રણનીતિ અને દરેક બૂથ પર પ્રભાવશાળી કાર્ય કરવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અગ્રણીઓએ જણાવ્યું કે જીત માટે સંગઠનશક્તિ અને કાર્યકર્તાઓની એકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કાર્યકર્તાઓને જનતા વચ્ચે વધુ સંપર્ક સાધવા, સરકારના વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવા અને પક્ષની વિચારધારાને મજબૂતીથી રજૂ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ આવનારી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ મુલાકાત અને ચર્ચાઓ દ્વારા બગસરા તાલુકામાં ભાજપ સંગઠન વધુ સશક્ત બનશે અને ચૂંટણીમાં સકારાત્મક પરિણામ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai