
રાજકોટ, 20 એપ્રિલ (હિ.સ.) : સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરૂં, એરંડા અને મેથી જેવી જણસીઓની મબલખ આવક, 1200થી વધુ વાહનોની કતારો લાગી હતી.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કૃષિ પાકોની ભારે આવકને પગલે યાર્ડ હાઉસફુલ જોવા મળ્યું હતું. અંદાજે 1200 થી વધુ વાહનો વિવિધ જણસીઓ લઈને ઉમટી પડતા યાર્ડમાં ચહલપહલ વધી ગઈ હતી. જીરૂં, એરંડા અને મેથી જેવી જણસીઓની મબલખ આવકની સાથે ભાવમાં પણ તેજી જોવા મળી હતી.
યાર્ડના ચેરમેન જયેશ બોઘરા અને ડિરેક્ટરોના માર્ગદર્શન હેઠળ વાહનોના પ્રવેશ અને ઉતરાઈની વ્યવસ્થા સુચારૂ રીતે કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં અંદાજે 1200થી વધુ વાહનો વિવિધ પાકો લઈને માર્કેટયાર્ડમાં પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર યાર્ડમાં ચહલપહલનો માહોલ જોવા મળ્યો હતો.
ખેડૂતોથી લઈને વેપારીઓ સુધી સૌ માટે આ દિવસ ખાસ રહ્યો હતો.
આવકના આંકડા મુજબ, જીરૂંની આવક 9300 મણ જેટલી નોંધાઈ હતી, જ્યારે એરંડાની આવક 13400 મણ સુધી પહોંચી હતી. મેથી 9800 મણ સાથે સારો જથ્થો નોંધાયો હતો અને સફેદ તલની આવક 2000 મણ જેટલી રહી હતી. ધાણા 7500 મણ, વટાણા 6700 મણ અને મગફળી 4000 મણ જેટલી આવક સાથે બજારમાં આવ્યા હતા. ઉપરાંત તુવેર 5500 મણ, કલોંજી 3600 મણ અને કપાસ 4000 મણ જેટલી આવક નોંધાઈ હતી.
ભાવની વાત કરીએ તો એક મણ જીરૂનો ભાવ 3500થી 4100 રૂપિયા, એરંડાનો ભાવ 1180થી 1248 રૂપિયા, મેથીનો ભાવ 1130થી 1780 રૂપિયા, સફેદ તલનો ભાવ 1800થી 2160 રૂપિયા, ધાણાનો ભાવ 2280થી 2480 રૂપિયા, વટાણાનો ભાવ 650થી 1080 રૂપિયા, મગફળીનો ભાવ 1280થી 1615 રૂપિયા, તુવેરનો ભાવ 1320થી 1520 રૂપિયા અને કપાસનો ભાવ 1550થી 1790 રૂપિયા બોલાયો હતો. આટલી મોટી સંખ્યામાં આવક થતા માર્કેટયાર્ડમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વ્યવસ્થિત રીતે ઉતરાઈ થાય તે માટે યાર્ડમાં વાહનોને ક્રમવાર પ્રવેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે તે માટે સ્ટાફ સતત સક્રિય રહ્યો હતો.
માર્કેટયાર્ડના ડિરેક્ટરઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ઉતરાઈ અને વ્યવસ્થાપન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. યોગ્ય આયોજન અને સમયસર કામગીરીના કારણે ખેડૂતો અને વેપારીઓ બંનેને સહેલાઈ અનુભવાઈ હતી. આજે થયેલી આ ભારે આવક દર્શાવે છે કે કૃષિ ક્ષેત્રમાં સતત સક્રિયતા જળવાઈ રહી છે અને રાજકોટ માર્કેટયાર્ડ ખેડૂતો માટે મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર તરીકે પોતાની ભૂમિકા મજબૂત રીતે નિભાવી રહ્યું છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ઉપજ વેચાણ માટે લાવે છે, જેના કારણે આ યાર્ડ સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ કૃષિ વેપાર કેન્દ્રોમાંનું એક માનવામાં આવે છે. અહીં વિવિધ પાકોની આવકથી ખેડૂતો અને વેપારીઓ બંનેને વ્યવસાયિક તક મળે છે અને કૃષિ બજારમાં સક્રિયતા જળવાઈ રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ