

અમદાવાદ, 20 એપ્રિલ (હિ.સ.) : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આગામી મહાનગરપાલિકાની ચુંટણી સંદર્ભે કર્ણાવતી મહાનગરના બોડકદેવ તથા થલતેજ વોર્ડનું જનસમર્થન સંમેલન યોજાયું હતું. ભુપેન્દ્ર પટેલે વિસ્તારમાં સમાવિષ્ટ સોસાયટીઓના ચેરમેન તથા સેક્રેટરી સહિત પક્ષના આગેવાનો, અગ્રણીઓ અને કાર્યકરો સાથે સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં પટેલે રાજ્ય અને વિશેષ કરીને કર્ણાવતી મહાનગરમાં થઈ રહેલા વિકાસકાર્યોની અંગે છણાવટ કરી હતી. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વિસ્તારના પ્રશ્નો અને વિકાસકાર્યો અંગે સતત ચિંતા કરી કાર્યરત રહે છે અને જરૂરી માર્ગદર્શન આપી સમસ્યાનું નિવારણ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રજાના પ્રતિનિધિ કેવા હોવા જોઈએ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અમિત શાહ છે.
વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીને છેલ્લા ત્રણ દાયકાથી પ્રજાનો અપાર વિશ્વાસ અને જનસમર્થન મળ્યું છે તેના મૂળમાં કાર્યકરોની મહેનત અને સક્રિયતા છે. આજે રાજ્યનું બજેટ 4 લાખ કરોડ રૂપિયાના વિક્રમી આંકડે પહોંચ્યું છે. રાજ્યમાં દરેક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. રાજ્યમાં MSME સેક્ટરની શરૂઆતમાં સંખ્યા 1.81 લાખ હતી જ્યારે આજે 27 લાખને પાર થઈ છે.
પટેલે કહ્યું કે, કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવી તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને દુનિયાના નકશામાં પ્રસ્થાપિત કર્યું છે અને કોમનવેલ્થ ગેમ્સના આયોજન થી અમદાવાદની વિશ્વસ્તરે ઓળખ વધુ મજબૂત બનશે.
મુખ્યમંત્રીભુપેન્દ્ર પટેલે એ ઉપસ્થિત સૌને આગામી ચૂંટણીમાં જંગી મતદાન કરી ભાજપાના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, પ્રદેશના મુખ્ય પ્રવકતા ડો.અનિલ પટેલ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, આગેવાનો, અગ્રણીઓ અને કાર્યકરો, સ્થાનિક સોસાયટીના ચેરમેન-સેક્રેટરી સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ