
વાપી , 20 એપ્રિલ (હિ.સ.) વલસાડ: વાપી ટાઉન વિસ્તારમાં પાર્ક કરેલી કારમાંથી આશરે રૂ. 5.5 લાખની ચોરીના કેસમાં વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસએ મુખ્ય આરોપીને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, 28 માર્ચ 2026ના રોજ વાપીના સોનરસ બિલ્ડીંગ સામે શીતલ એપાર્ટમેન્ટ પાસે જાહેર માર્ગ પર પાર્ક કરેલી ક્રેટા કારમાંથી અજાણ્યા શખ્સે લેપટોપ બેગ ચોરી કરી હતી. આ બેગમાં “શ્રી સ્વામીનારાયણ વિદ્યાલય”ના વિદ્યાર્થીઓની ફી તેમજ પુસ્તકો અને નોટબુક વેચાણના આશરે રૂ. 5.5 લાખ રોકડા હતા.આ બનાવ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ એલસીબી વલસાડની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના નેતૃત્વમાં પીએસઆઈ જે.બી. ધનેશા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી.તપાસ દરમિયાન આરોપી સીનુવાસ બાલુવાસ બરમુંડા રહે. અમનનગર, ઉજ્જૈન ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ તેના સાથીદાર રાજા આરમોગમ જાદવ તથા અન્ય બે શખ્સો સાથે મળીને ગુનો કર્યાની કબૂલાત કરી હતી.આરોપીઓ ખાસ કરીને એકાંત જગ્યાએ પાર્ક કરેલી અને લોક ન મારેલી કારોને નિશાન બનાવી કિંમતી સામાનની ચોરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે.પોલીસે આરોપી પાસેથી રૂ. 5,000 કિંમતનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી માટે આરોપીને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.આ સમગ્ર કામગીરી એલસીબી વલસાડની ટીમ દ્વારા સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha