
જામનગર, 20 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામે રહેતાં 51 વર્ષિય આધેડે રૂમમાંથી છલાંગ લગાવતાં નીચે પડેલો પથ્થર માથામાં લાગી જતાં મોત નિપજ્યું હતું. રૂમમાં થયેલી અન્ય શખ્સો સાથેની બોલાચાલી બાદ પોલીસની ગાડી આવી જતાં ભયભીત બની કૂદી ગયા હતાં. બનાવની જાણના આધારે પોલીસે મોત અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ પંજાબના અમૃતસરમાં રહેતાં અને હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામે બુધ્ધાભાઇના મકાનમાં રહતા બલજીતસિંઘ મખનસિંઘ નામના 51 વર્ષિય આઘેડને શનિવારે વહેલી સવારે પોતાના જ રૂમ પર કોઇ અન્ય વ્યક્તિઓ સાથે બોલાચાલી થઇ હતી. આ બાબતે કોઇ વ્યક્તિએ 112 જનરક્ષકમાં ફોન કરી દેતાં થોડી જ ક્ષણોમાં 112 જનરક્ષકની ગાડી આવી પહોંચતા ડરી ગયેલાં બલજીતસિંઘે રૂમમાંથી નીચે કૂદકો મારતા નીચે પડેલો પથ્થર પ્રૈઢના માથામાં લાગી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવમાં આવ્યા હતાં. જ્યાં ગઇકાલે આ પ્રૌઢનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નિર્મલસિંઘ મખનસિંઘ શીખે પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસના સ્ટાફે મૃત્તદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી કરાવી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt