
પાટણ, 21 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લાના હારીજમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે, જેમાં બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ 73 વર્ષીય અનાજના વેપારી પાસેથી છરી બતાવીને ₹2.80 લાખ લૂંટી લીધા.
હારીજ મેઈન બજારમાં ભાવેશ ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા જયંતિલાલ ભુરાલાલ ઠક્કર 20 એપ્રિલ, 2026ની રાત્રે પોતાના પુત્ર સાથે દુકાન બંધ કરીને ઘરે જવા નીકળ્યા હતા.
દિવસ દરમિયાનના વેપારના ₹2,80,000 રોકડા એક થેલામાં ભરી તેઓ પોતાના જ્યુપિટર વાહન પર સિદ્ધયોગી રેસીડેન્સી તરફ જઈ રહ્યા હતા.
બહુચર માતાજીના મંદિર પાસે પહોંચતા જ કાળા એક્ટિવા પર આવેલા બે શખ્સોએ તેમની ગાડી રોકી, જેમાંથી એક નીચે ઉતરી છરી બતાવી ધમકી આપી. લૂંટારુએ થેલો છીનવવાનો પ્રયાસ કરતા વેપારી પડી ગયા, ત્યારબાદ છરીથી થેલાનો પટ્ટો કાપીને રૂપિયા લઈને બંને આરોપીઓ ભાગી છૂટ્યા.
હારીજ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી તેજ બનાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ