
નવસારી, 21 એપ્રિલ (હિ.સ.): નવસારી જિલ્લાના સુપા ગામમાં રહેતા અને શાકભાજી વેચી જીવન નિર્વાહ કરતા એક યુવક સાથે સાયબર ઠગોએ ફેસબુક મારફતે છેતરપિંડી કરી રૂ. 3.12 લાખ પડાવ્યા છે. આરોપીઓએ યુવકના ઓળખીતાના નામે નકલી પ્રોફાઇલ બનાવી વિશ્વાસ જીત્યો અને તેને પૈસા ટ્રાન્સફર કરવા પ્રેરિત કર્યો.
ઠગોએ પોતે સાઉદી અરેબિયામાં હોવાનો દાવો કરી ભારતમાં આવવાનો પ્લાન બતાવ્યો હતો અને પહેલાં પૈસા મોકલવાના બહાને ખોટા સ્ક્રીનશોટ મોકલ્યા. બાદમાં તેઓએ પોલીસ કેસમાં ફસાયા હોવાની વાત કરી તાત્કાલિક મદદ માંગતાં સતત ફોન અને મેસેજથી દબાણ બનાવ્યું. મિત્રને મુશ્કેલીમાંથી બહાર લાવવાની લાગણીમાં યુવકે પોતાની બચત ઉપરાંત ઓળખીતાઓ પાસેથી ઉધાર લઈને અલગ-અલગ ખાતાઓમાં રૂપિયા જમા કરાવ્યા.
જ્યારે વધુ પૈસાની માંગણી થઈ ત્યારે યુવકને શંકા જતા તેણે સાચી માહિતી મેળવી અને છેતરપિંડી બહાર આવી. ત્યારબાદ તેણે તરત જ સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને આરોપીઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે