
દહેરાદૂન, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.): ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના દ્વાર કાલે, એટલે કે બુધવારે સવારે 08 વાગ્યે શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલી દેવામાં આવશે. આ સાથે કેદારનાથ યાત્રા 2026નો સત્તાવાર શંખનાદ થઈ જશે.
દ્વાર ઉદઘાટનના પવિત્ર અવસરે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ધામ પહોંચીને પરંપરાગત ધાર્મિક અનુષ્ઠાનો અને વિશેષ પૂજા-અર્ચનામાં સામેલ થશે. બાબા કેદારનાથની પંચમુખી ઉત્સવ ડોલી પણ ધામ પહોંચી ગઈ છે. વહીવટીતંત્ર અને તીર્થ પુરોહિતોએ દ્વાર ખુલવાની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે. દ્વાર ખુલવાને લઈને સમગ્ર ધામ ક્ષેત્રમાં ભવ્ય ધાર્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચી રહ્યા છે અને બાબાના દર્શન માટે ઉત્સાહ ચરમસીમાએ છે. કેદારનાથ મંદિરને 51 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર યાત્રાને સુગમ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ અંતર્ગત સડક માર્ગોનું સમારકામ, વાહનવ્યવહારનું સરળ સંચાલન, પદયાત્રાના માર્ગ પર પીવાનું પાણી, શૌચાલય, આવાસ તેમજ ખાણી-પીણીની સુવિધાઓની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત પદયાત્રાના માર્ગ અને ધામ ક્ષેત્રમાં વીજળી અને સોલર લાઈટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બે કિલોમીટર પર આરોગ્ય વિભાગ દ્વારા તબીબી સહાય કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી શ્રદ્ધાળુઓને તાત્કાલિક તબીબી સુવિધા ઉપલબ્ધ થઈ શકે.
સ્વચ્છતા વ્યવસ્થાને પ્રાધાન્ય આપતા આધુનિક શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી છે અને શ્રદ્ધાળુઓ માટે ગરમ પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યાત્રા માર્ગ અને ધામ ક્ષેત્રમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે, જેથી શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને અવરોધ રહિત યાત્રાનો અનુભવ મળી શકે.
હિન્દુસ્થાન સમાચાર / ડો. વિનોદ પોખરિયાલ / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ