
નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.). પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, દેશમાં બંદર સંચાલન, ઊર્જા પુરવઠો અને ડેરી ક્ષેત્ર સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. ભારતીય નાવિકો સુરક્ષિત છે, દૂધ અને દૂધની બનાવટોના ભાવ સ્થિર છે તથા દરિયાઈ વીમા માટે વિશેષ ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઊર્જા સુરક્ષા, ભારતીય પ્રવાસી સમુદાયના કલ્યાણ અને પુરવઠા શૃંખલાને સુચારૂ જાળવી રાખવા માટે સમન્વિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે, અહીં મંગળવારે રાષ્ટ્રીય મીડિયા કેન્દ્રમાં આયોજિત આંતર-મંત્રાલય પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પશ્ચિમી કિનારાના મુખ્ય બંદરો પર કન્ટેનર વોલ્યુમમાં ભારે ઘટાડો નોંધાયો છે. 8 માર્ચે જ્યાં લગભગ 3,383 કન્ટેનર હતા, ત્યાં હવે તે ઘટીને માત્ર 99 રહી ગયા છે, એટલે કે 97 ટકાનો ઘટાડો થયો છે. હાલમાં દેશભરમાં બંદર સંચાલન સામાન્ય છે અને યાર્ડ ઓક્યુપન્સી ઓછી થઈ ગઈ છે. તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે. તેમણે જણાવ્યું કે, કેબિનેટે ‘ભારત મરીન ઇન્શ્યોરન્સ પૂલ’ને અગાઉથી જ મંજૂરી આપી દીધી છે, જે હેઠળ 12,980 કરોડ રૂપિયાનું સાર્વભૌમ ગેરંટી ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે જેથી દરિયાઈ વીમાને સુલભ બનાવી શકાય.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે, ભારત પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અખાતી દેશો સાથે સંપર્ક તેજ કરવામાં આવ્યો છે. તાજેતરના દિવસોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાઉદી અરેબિયા ગયા હતા, વિદેશ મંત્રી સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા હતા, પેટ્રોલિયમ મંત્રીએ કતારની મુલાકાત લીધી હતી અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રીએ અખાતી દેશોના તેમના સમકક્ષો સાથે અનેક બેઠકો કરી હતી. તેમણે કહ્યું કે, આ સમન્વિત પ્રયાસોનો ઉદ્દેશ્ય ઊર્જા સુરક્ષા, ભારતીય પ્રવાસી સમુદાયના કલ્યાણ અને અન્ય સહિયારી ચિંતાઓ પર સહયોગ વધારવાનો છે.
પશુપાલન અને ડેરી વિભાગના નિયામક પૂજા રસ્તોગીએ જણાવ્યું હતું કે, સંકટ હોવા છતાં દેશભરમાં દૂધની ખરીદી, પ્રક્રિયા અને પુરવઠો સામાન્ય રીતે ચાલુ છે. દૂધ અને દૂધની બનાવટોના ભાવ સ્થિર છે અને બજારમાં કોઈ પુરવઠો ખોરવાયો નથી. ખેડૂતોને ચુકવણી પણ નિયમિતપણે કરવામાં આવી રહી છે. વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે અને ડેરી વેલ્યુ ચેઈનને સુચારૂ રાખવા માટે અનેક સક્રિય પગલાં લેવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ