બાળકો માટે ઉનાળાનું વેકેશન બનશે વિજ્ઞાન અને ગમ્મતનો ખજાનો, ગુજકોસ્ટ દ્વારા સમર સાયન્સ કેમ્પ 2026નું આયોજન
ગાંધીનગર, 29 એપ્રિલ (હિ.સ.) ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ સ્થાપિત સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) રાજ્યભરમાં વિજ્ઞાન વિષયનું શિક્ષણ, તેના પ્રત્યેની જાગૃતિ અને નવીનતાઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહી
GUJCOST


ગાંધીનગર, 29 એપ્રિલ (હિ.સ.) ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ સ્થાપિત સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) રાજ્યભરમાં વિજ્ઞાન વિષયનું શિક્ષણ, તેના પ્રત્યેની જાગૃતિ અને નવીનતાઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહી છે. રાજ્યની સામાન્ય જનતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં રસ-રૂચિ વધારવા અને તે અંગેની સમજણ વિકસિત કરવાના ઉદ્દેશથી ગુજકોસ્ટ દ્વારા પાટણ, ભાવનગર, રાજકોટ અને ભુજ ખાતે રીજનલ સાયન્સ સેન્ટર્સ એટલે કે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રો આજે વિજ્ઞાન વિષયની જિજ્ઞાસાને સંતોષવા માટેના તેમજ વ્યવહારૂ શિક્ષણ અને સાયન્સ ટુરિઝમના વાયબ્રન્ટ કેન્દ્રો તરીકે ઉભર્યા છે.

ઉનાળાનું વેકેશન બાળકો માટે વધુ આકર્ષક બનાવવા અને તેમને ગમ્મત સાથે વિજ્ઞાનનું શિક્ષણ આપવા માટે હવે ગુજકોસ્ટ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી રહી છે. વિજ્ઞાન વિષયમાં રસ ધરાવતા બાળકો માટે, તેમજ અન્ય બાળકો પણ તેમાં રસ લેતા થાય તેવા ઉદ્દેશથી GUJCOSTએ આગામી 1 મે થી 30 મે, 2026 દરમિયાન રાજ્યમાં સ્થિત ચારેય RSCs ખાતે વિવિધ બેચમાં 3 દિવસીય રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પનું આયોજન કર્યું છે. આ સમર કેમ્પ ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં દરેક બેચમાં વધુમાં વધુ 50 વિદ્યાર્થીઓનો સમાવેશ થઇ શકશે. આ કેમ્પ દરમિયાન વિજ્ઞાન આધારિત પાંચ આકર્ષક થીમને આવરી લેવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન અને સંશોધનની ભૂમિકા પર ભાર મૂકીને ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’નું અપડેટેડ રાષ્ટ્રીય સૂત્ર આપ્યંર છે. તેમણે કહ્યું છે કે, “ભારતના ભાવિ વિકાસ અને નવીનીકરણમાં વિજ્ઞાન કેન્દ્રસ્થાને છે. વિજ્ઞાન એ ઉકેલો, ઉત્ક્રાંતિ અને નવીનતાનો આધાર છે.” મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતના વધુ ને વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લેતા થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે જ્યારે ગુજરાત સેમિકંડક્ટર, હરિત ઊર્જા અને ડિજિટલ સાયન્સ જેવા ક્ષેત્રોનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ ક્ષેત્રો માટે ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળની મોટા પાયે માંગ ઊભી થશે. આ માટે જરૂરી છે, કે વધુ ને વધુ વિદ્યાર્થીઓ ધો-11 અને 12માં વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરે. GUJCOST દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન સુનિશ્ચિત કરશે કે રાજ્યના વધુ ને વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં રસ લેતા થાય અને આગળ જતાં તેમાં પોતાની કારકિર્દી બનાવવા અંગે વિચારતા થાય.

ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવેલ સમર સાયન્સ કેમ્પમાં વિદ્યાર્થીઓને રસ પડે એવા પાંચ આકર્ષક થીમોને આવરી લેવામાં આવ્યા છે. તેમાં 1) વૈજ્ઞાનિક કેવી રીતે બનવું? 2) સ્પેસ (અવકાશ) સમર કેમ્પ 3) મરીન બાયોલોજી/મશીન એન્જિનિયરિંગ 4) AI અને રોબોટિક્સ તેમજ 5) એક્સપ્લોરિંગ નેચર એટલે કે પ્રકૃતિના તત્વોનું અન્વેષણ, આ પાંચ થીમોનો સમાવેશ થાય છે.

સાયન્સ સમર કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યવહારુ પ્રયોગો, વિજ્ઞાન પ્રદર્શનો, મલ્ટીમીડિયા સત્રો, નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન (રાત્રિ આકાશ નિરીક્ષણ), ફિલ્ડ વિઝિટ, ક્વિઝ સ્પર્ધાઓ, વિજ્ઞાનને લગતી રમતો, વૉક-થ્રુ ઇન ગેલેરી વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ બાળકોને ગમ્મત સાથે વિજ્ઞાનનો પરિચય કરાવશે.

સમર સાયન્સ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયના નિષ્ણાંતો સાથે વાતચીત અને ચર્ચા કરવાનો પણ મોકો મળશે. વધુમાં, સમર કેમ્પ દરમિયાન બાળકોને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના જેવી રાજ્ય સરકારની યોજનાઓ અંગે માહિતી તેમજ ભવિષ્યની કારકિર્દી માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિદ્યાર્થીઓને ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી બનાવવામાં આવી છે. રાજ્યની સરકારી અથવા અનુદાનિત શાળાઓમાં ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા 2,00,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે વિવિધ શાળાઓમાં ધોરણ 6 થી 12માં અભ્યાસ કરવા માટે સ્કોલપશીપ આપવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના તેમજ રાજ્યની સરકારી અથવા RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં ધો- 1 થી 8માં અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા 1,00,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે વિવિધ શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ આપવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાયરૂપ થવાનો છે.

GUJCOST દ્વારા સમર સાયન્સ કેમ્પની આ પહેલનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વધારવાનો, STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) કારકિર્દીને પ્રોત્સાહન આપવાનો તેમજ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન વચ્ચે કાયમી જોડાણ બનાવવાનો છે. આ કેમ્પમાં વિદ્યાર્થીઓને ‘વહેતા તે પહેલા’ ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. આ કેમ્પમાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તેમના વિસ્તારની નજીકના રીજનલ સાયન્સ સેન્ટર પરથી વધુ વિગતો મેળવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande