
ગીર સોમનાથ, 29 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળો પર આવતા પ્રવાસીઓની સુરક્ષા, સુવિધા અને સુખદ અનુભવમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ડીજી & આઇજી કોન્ફરન્સની ભલામણો મુજબ રાજ્યના મહત્વના પ્રવાસન જિલ્લાઓમાં સમર્પિત 'ટુરિસ્ટ પોલીસ સ્ટેશન' કાર્યરત કરવાનો હતો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જેવા મુખ્ય પ્રવાસન જિલ્લાઓમાં ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ખાસ ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશનો’ સ્થાપવામાં આવશે. જે પર્યટન સ્થળો પર પહેલેથી જ પોલીસ ચોકીઓ કાર્યરત છે, ત્યાં ઉપલબ્ધ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી તેને અત્યાધુનિક ટુરિસ્ટ પોલીસ સ્ટેશન તરીકે અપગ્રેડ કરવામાં આવશે.
પ્રવાસીઓ પોલીસને સરળતાથી ઓળખીને મદદ મેળવી શકે તે માટે પોલીસ કર્મચારીઓ માટે વિશેષ યુનિફોર્મ અને વાહનો માટે એક અનન્ય 'લોગો' ડિઝાઇન કરવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ત્વરિત સહાય માટે કન્ટેનર આધારિત માળખા દ્વારા 'હેલ્પ ડેસ્ક' અને 'કિયોસ્ક' પણ ઊભા કરવામાં આવશે. પ્રવાસીઓને એક જ પ્લેટફોર્મ પર તમામ જરૂરી માહિતી અને સુરક્ષા સંબંધી સેવાઓ મળી રહે તે હેતુથી તમામ SPને એક સેન્ટ્રલ 'ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન' વિકસાવવા પણ સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, આ બેઠકમાં દરેક ટુરિસ્ટ પોલીસ સ્ટેશનમાં પૂરતા પ્રમાણમાં માનવબળ, નવા વાહનોની ખરીદી અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો જ નથી, પરંતુ ગુજરાતની મુલાકાતે આવતા દેશ-વિદેશના પર્યટકોને એક સુરક્ષિત અને 'મિત્રસભર' (Tourist-Friendly) વાતાવરણ પૂરું પાડવાનો છે. આગામી સમયમાં આ આયોજનને વેગ આપીને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ સુરક્ષિત બનાવવાની નેમ પોલીસ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ બેઠકમાં IGP (વહીવટ) સહિત ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ