
- ગુજરાતમાં અરાજકતાવાદી પાર્ટીનો પોલિટિકલ ડ્રામા, નૌટંકી અને વિક્ટીમ કાર્ડ ક્યારેય નહિ ચાલે: ધવલ પટેલ
અમદાવાદ,03 એપ્રિલ (હિ.સ.) ગુજરાત ભાજપના સહ પ્રવકતા અને વલસાડના સાંસદ ધવલ પટેલે આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
પ્રેસવાર્તાને સંબોધન કરતા તેઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ દિલ્હીથી આવેલા આયાતી નેતા અને બહુરુપિયાઓએ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ભ્રમ ફેલાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે.
દિલ્હી, પંજાબ કે ગોવા હોય, ચૂંટણી સમયે રાજકીય ડ્રામા અને અરાજકતા ફેલાવવી એ આ પાર્ટીનો ઇતિહાસ રહ્યો છે. વર્ષ 2015માં પ્રજાસત્તાક પર્વને રોકવાનો પ્રયાસ હોય કે સર્જિકલ સ્ટ્રાઈક સમયે સેના પાસે પુરાવા માંગવાની રાષ્ટ્રવિરોધી માનસિકતા, આ પક્ષે હંમેશા અર્બન નક્સલોને પ્રોટેક્શન આપવાનું કામ કર્યું છે.
ચૂંટણી સમયે પોતાની જ ઉપર સ્યાહી કે જૂતા ફેંકાવી ‘વિક્ટીમ કાર્ડ’ રમવું એ તેમની જૂની ઢબ રહી છે, આવા કિસ્સાઓમાં પછી બહાર આવે છે કે આ બધું તેમના જ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હોય છે.
ગુજરાત માટે આ નવી બાબત નથી; આ જ પેટર્ન દિલ્હી અને પંજાબમાં પણ જોવા મળી હતી. પરંતુ ગુજરાતની જનતા હવે આ નૌટંકીથી વાકેફ થઈ ગઈ છે.
ધવલ પટેલે જણાવ્યું કે,અરજકતાવાદી પાર્ટીનો સંપૂર્ણ ઇતિહાસ ગુનાહિત પ્રવૃત્તિઓથી ખરડાયેલો છે. દિલ્હીમાં લિકર સ્કેમ અને મોહલ્લા ક્લિનિક કૌભાંડ બાદ હવે પંજાબમાં પણ તેમના નેતાઓ ડ્રગ્સના કાળા કારોબારમાં ઝડપાઈ રહ્યા છે.
ગુજરાતમાં પણ વર્ષ 2025 અને 2026 દરમિયાન તે પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, રાયોટિંગ અને મારામારી જેવા 24 ગંભીર પ્રકારના અને 39 સામાન્ય પ્રકારના ગુનાઓ નોંધાયા છે, જેમાં કુલ 242 જેટલા આરોપીઓ આ જ પક્ષના છે. અનેક ઘટનાઓમાં ગુજરાત બહારથી આવેલા આ પાર્ટીના આગેવાનો સામે ગુનાઓ નોંધાયા છે.
તેમણે પ્રશ્ન કર્યો કે શું આવા ગુન્હા કરનારાઓને ગુજરાત પોલીસ અને સરકાર છોડી દે? શું આ અરાજકતાવાદી પાર્ટી માટે કાયદા-કાનૂન લાગુ પડતા નથી?
તેમણે સ્પષ્ટ કર્યું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપાની સરકારે વિકાસ અને શાંતિનું વાતાવરણ જાળવી રાખ્યું છે. કોઈપણ રાજકીય પાર્ટીનો કાર્યકર ગુન્હો કરશે તો ગુજરાત પોલીસ તેને છોડશે નહીં. ગુજરાતમાં અરાજકતાવાદી પાર્ટીનો પોલિટિકલ ડ્રામા, નૌટંકી અને વિક્ટીમ કાર્ડ ક્યારેય નહિ ચાલે‘
ભૂતકાળમાં પણ અરાજકતાવાદી પાર્ટીના નેતાઓએ ભાજપાના કાર્યાલયો પર હુમલા કર્યા છે, દારૂબંધીના કાયદાનો ભંગ કર્યો છે અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પર જૂતું ફેંકવા જેવી હરકતો કરી છે. જે પાર્ટીએ ગુજરાત વિરોધી મેધા પાટકરને સમર્થન આપ્યું હોય તેને જનતા ક્યારેય સ્વીકારશે નહીં. 2022ની ચૂંટણીમાં 107 બેઠકો પર ડિપોઝીટ ગુમાવનાર આ અરાજકતાવાદી પાર્ટીનું આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સંપૂર્ણ ધોવાણ થશે અને જનતાના વિશ્વાસ સાથે ભાજપનો ભવ્ય વિજય થશે.
આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ