
જામનગર, 30 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાના જોડિયામાં અગાઉની માથકૂટનો ખાર રાખી યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરાયાની ઘટના નોંધાઈ છે. પ્રથમ બાઇક આડે રાખી બબાલ કર્યા બાદ ઘરે જઇને બે શખ્સોએ યુવાનને પકડી રાખી એક શખ્સે છરીનો ઘા માર્યાની 3 સામે ફરિયાદ નોંધાઈ છે.
જોડીયાના મોટોવાસમાં રહેતા સોહીલ અબ્દુલભાઇ ગંઢએ હુમલા મામલે આરોપી સાહિલ, ઇદ્રીશ અને હમજા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે સોહીલ તથા આરોપી સાહિલ વચ્ચે રમજાન મહિનામાં દરગાહના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા બાબતે માથાકુટ થઈ હતી. જેનો ખાર રાખી આરોપી સાહિલ ફરીયાદી સાથે અવાર નવાર ઝઘડો કરવાનો મોકો શોધતા હતો. તેવામાં તા.28 ની રાત્રે સોહીલ તથા તેના મિત્રો બાઇક લઇને ઘરે જતા હતા ત્યારે આરોપીએ બાઇક આડે રાખી આંખો કાઢી હતી કેમ આડો ઉભો રહી આંખો કાઢે છે? તેમ પૂછતાં આરોપી સાહિલ ઉશ્કેરાઈ ગયો અને ગાળુ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો અને કહેતો ગયો કે હું તને જોઇ લઇશ તું કેમ જીવે છે.
થોડી વાર પછી આરોપી સાહિલ ઇદ્રીશભાઇ, ઇદ્રીશ અને હમજા નામના ત્રણ શખ્સો ફરિયાદીના ઘરે ગયા અને દાદી સાથે ઝઘડો કર્યા બાદ ઘરની બહાર નીકળેલા ફરિયાદીને બે શખ્સોએ પકડી રાખ્યો હતો અને સાહિલે છરી વડે જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. જે મામલે ફરિયાદ બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt