
જામનગર, 30 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં રણજીત સાગર રોડ ઉપર આવેલ પ્રાણામી નગર નજીકના બેઠા પુલ ઉપરથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. મૃતદેહમાં ઇજાના નિશાન હોવાથી હત્યા નિપજાવાઇ હોવાનું પ્રાથમિક અનુમાન કરી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
મૃતદેહ નજીકથી એક મોટો પથ્થર મળી આવ્યો હોવાથી તેના વડે હુમલો કરી હત્યા નિપજાવાઇ હોવાનું માનવામાં આવે છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવા અને મૃતકની ઓળખ મેળવવા સહિતની તજવીજ હાથ ધરી છે.
જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલા પ્રણામીનગર પાસે એક નદીના કાંઠેથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે દોડી જઇ હત્યાની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડી આજુબાજુના સીસીટીવી તપાસી કાર્યવાહી હાથ ધરી છે. બનાવને પગલે જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા ઉપરાંત સિટી એ. ડિવિઝનના પીઆઈ વી.એમ. ડોડીયા અને તેઓની ટીમ તથા એલ.સી.બી.ની ટુકડી વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા.
શહેરના પ્રણામીનગર પાસે થી આશરે 25 થી 30 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાનના માથાના ભાગે અને પગના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા હોવાથી પોલીસે હત્યાની આશંકાએ તપાસ આરંભી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન નેપાળી હોવાનું અનુમાન લગાવાયું છે, અને કોઈ વ્યક્તિએ માથામાં બોથડ પદાર્થ ઝીકીને તેનું મૃત્યુ નિપાજાવી ચાલ્યો ગયો હોવાનું અનુમાન લગાવીને આ બનાવમાં હત્યાની આશંકા સેવાઈ રહી છે.
બનાવના સ્થળ થી થોડે દુરથી જી.જે. 11 બી.એફ. 6143 નંબરનું એકટીવા પણ થોડે દૂર પાણીમાં ખુંપેલું અને આડુ પડેલું મળી આવ્યું હતું, તેથી પોલીસ દ્વારા તે એકટીવા ના રજીસ્ટ્રેશન નંબર ના આધારે પણ આ બનાવ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આસપાસના વિસ્તારમાં કોઈ નેપાળી યુવાન ગુમ થયો હોય અથવા તો તે અંગેની જાણકારી મેળવવા માટે પોલીસની ટુકડી આસપાસના વિસ્તારમાં ઘુમી રહી છે.
પોલીસે હાલ મૃતદેહ નો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે, અને પોસ્ટ મોર્ટમ કરાવાયું છે, જેના રિપોર્ટની પણ રાહ જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt