ભચાઉ પોલીસની જનમૈત્રી પહેલ: સીઈઆઈઆર પોર્ટલથી ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને પરત, ‘તેરા તુજ કો અર્પણ’ સૂત્રને આપ્યો જીવંત અર્થ
કચ્છ, 30 એપ્રિલ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લાના ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા ફરી એકવાર જનસેવાને પ્રાથમિકતા આપતા પોલીસ પ્રજાની સાચી મિત્ર છે તેવો સંદેશ કાર્ય દ્વારા સાબિત કર્યો છે. રાજ્ય પોલીસના “તેરા તુજ કો અર્પણ” અભિયાનને માત્ર સૂત્ર પૂરતું ન રાખતા ભચાઉ
ભચાઉ પોલીસ તેરા તુજકો અર્પણ


કચ્છ, 30 એપ્રિલ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લાના ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા ફરી એકવાર જનસેવાને પ્રાથમિકતા આપતા પોલીસ પ્રજાની સાચી મિત્ર છે તેવો સંદેશ કાર્ય દ્વારા સાબિત કર્યો છે. રાજ્ય પોલીસના “તેરા તુજ કો અર્પણ” અભિયાનને માત્ર સૂત્ર પૂરતું ન રાખતા ભચાઉ પોલીસે ટેકનોલોજીના અસરકારક ઉપયોગ સાથે ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી તેમના મૂળ માલિકોને પરત સોંપીને પ્રશંસનીય કામગીરી નોંધાવી છે. આ કામગીરીથી અરજદારોને આર્થિક રાહત મળવા સાથે પોલીસ પ્રત્યે વિશ્વાસ પણ વધુ મજબૂત બન્યો છે.

ગુજરાત પોલીસના વડા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસપૂર્ણ સંબંધ મજબૂત બને, લોકોમાં સુરક્ષાની ભાવના વિકસે અને પોલીસ સ્ટેશન પ્રત્યે નાગરિકો નિર્ભયતાથી આગળ આવે તે માટે વિવિધ માનવકેન્દ્રિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. તે જ દિશામાં સરહદી બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ ડોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસને ખાસ સુચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાને ગંભીરતાથી લઈ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી. ઝાલાએ ગુમ થયેલા મોબાઈલ સંબંધિત મળતી અરજીઓનું વિશેષ સંકલન શરૂ કર્યું હતું. માત્ર નોંધણી પૂરતી પ્રક્રિયા સુધી મર્યાદિત ન રહી પોલીસ ટીમે અલગ-અલગ ટેકનિકલ સોર્સ, ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ તથા કેન્દ્ર સરકારના CEIR પોર્ટલનો સઘન ઉપયોગ કરીને દરેક મોબાઈલની વિગતો ઓનલાઈન દાખલ કરી સતત મોનિટરિંગ હાથ ધર્યું હતું. એક સુવ્યવસ્થિત એક્શન પ્લાન બનાવી મોબાઈલ હેન્ડસેટ્સના IMEI આધારે તેમની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી.

આ ટેકનિકલ અનુસંધાન અને પોલીસ ટીમની સતત મહેનતનું પરિણામ એ આવ્યું કે ચાલુ માસ દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા કુલ ત્રણ મોબાઈલ ફોન સફળતાપૂર્વક ટ્રેસ કરવામાં આવ્યા. અંદાજે રૂપિયા ૮૨ હજાર જેટલી કિંમત ધરાવતા આ મોબાઈલ ફોન પોલીસ દ્વારા શોધી કાઢી સંબંધિત અરજદારોને પરત આપવામાં આવ્યા હતા. પોતાના કિંમતી મોબાઈલ ગુમાવ્યા બાદ નિરાશ બનેલા નાગરિકોને જ્યારે પોલીસ સ્ટેશનમાંથી જ તેમનો મોબાઈલ પરત મળ્યો ત્યારે તેમની ખુશી સ્પષ્ટ જોવા મળી હતી.

માત્ર ગુમ થયેલી વસ્તુ શોધવાની કાર્યવાહી નહીં પરંતુ આ સમગ્ર પ્રક્રિયા ભચાઉ પોલીસની સંવેદનશીલતા અને સેવાભાવનું પ્રતિબિંબ બની છે. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ માત્ર વાતચીતનું સાધન નથી, પરંતુ વ્યક્તિગત માહિતી, બેન્કિંગ, દસ્તાવેજો અને રોજિંદા જીવનની અનેક જરૂરી વિગતોનું કેન્દ્ર હોય છે. આવી સ્થિતિમાં મોબાઈલ ગુમાવવો એટલે નાગરિક માટે મોટું આર્થિક તેમજ માનસિક નુકસાન. ભચાઉ પોલીસે સમયસર ટેકનિકલ તપાસ કરી આ નુકસાન અટકાવ્યું છે.

‘તેરા તુજ કો અર્પણ’ અભિયાન અંતર્ગત ભચાઉ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીએ સાબિત કર્યું છે કે પોલીસ તંત્ર માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જ નહીં પરંતુ સામાન્ય નાગરિકની નાનીથી નાની સમસ્યામાં પણ સાથ આપવાનું પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યું છે. જનહિત માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી પોલીસ દ્વારા દેખાડવામાં આવેલ આ જવાબદારીભર્યો અભિગમ સમગ્ર જિલ્લામાં પ્રશંસાનો વિષય બન્યો છે.

ભચાઉ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફની આ કામગીરીથી અરજદારોમાં સંતોષની લાગણી ફેલાઈ છે અને “પોલીસ પ્રજાની મિત્ર” સૂત્રને સાચા અર્થમાં જીવન્ત બનાવવામાં સફળતા મળી છે. ભવિષ્યમાં પણ આવી જ જનમૈત્રી સેવાઓ દ્વારા પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande