
વડોદરા, 30 એપ્રિલ (હિ.સ.) : વડોદરા સયાજી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાના વિરોધમાં રેસિડેન્ટ તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. 29 એપ્રિલે પોસ્ટમોર્ટમ રૂમમાં ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં રેસિડેન્ટ તબીબોએ આજે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળને કારણે હોસ્પિટલની નિયમિત સારવાર સેવાઓ પર અસર પડી છે. મધ્યસ્થી કરવા વડોદરા કલેક્ટર અને જોઈન્ટ સીપી દોડી આવ્યા છે.
કલેક્ટરે તબીબોને સમજાવ્યા છે કે, ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેઓએ હડતાળ સમેટવી જોઈએ. હાલ તબીબોને આ અંગે સમજાવટ કરવામાં આવી છે. આ ઘટનામાં તબીબો પર હુમલો કરનારા કેટલાક આરોપીઓની રાવપુરા પોલીસએ ધરપકડ કરી લીધી છે. જો કે, હડતાળ સમેટવા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. આરોગ્ય મંત્રીને મળેલા તબીબોના મંડળના નિર્ણયની પણ રાહ જોવાઈ રહી છે.
જ્યારે ઈમરજન્સી સેવાઓ અને ઓપીડી દર્દીઓ માટે ચાલુ રાખવામાં આવી છે.
ગઈકાલની ઘટના બાદ પીએમ કામગીરી બંધ થતાં મૃતદેહોને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગત રોજ સાત મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
રેસિડેન્ટ તબીબોની ગેરહાજરીને કારણે દર્દીઓની સારવાર વ્યવસ્થામાં મુશ્કેલીઓ પડી રહી છે. આ સમયે હોસ્પિટલના પ્રોફેસરો અને ટ્યુટર્સે સારવારની કામગીરી સંભાળી લીધી છે. રેસિડેન્ટ તબીબોએ સુરક્ષાની માંગણી કરતાં હોસ્પિટલ કેમ્પસમાં સીસીટીવી કેમેરા અને કાયમી સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવાની માગ કરી છે. તેમણે હોસ્પિટલ પ્રાંગણમાં આવેલા અંધકારમય વિસ્તારોમાં વધુ લાઇટિંગ વ્યવસ્થા કરવાની પણ માંગણી કરી છે.
તબીબોએ ગઈકાલે બનેલી ઘટનામાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. તેઓ ન્યાયની માગ સાથે સુરક્ષિત રીતે કામગીરી કરી શકે તે માટે આજે હડતાળ પર બેઠા છે. હાલમાં વડોદરા જિલ્લા કલેક્ટર, જોઈન્ટ પોલીસ કમિશનર અને એસ.એસ.જી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રંજન આઈયર સાથે વાટાઘાટોની બેઠક શરૂ થઈ છે, જેમાં રેસિડેન્ટ તબીબો પણ સામેલ છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં 29 એપ્રિલે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો એક મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ થઈ જવાની આઘાતજનક ઘટના સામે આવતા પરિવારજનોએ ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હતો.
આ મામલે હોસ્પિટલ સ્ટાફની ઘોર બેદરકારી અને ખરાબ વર્તનના ગંભીર આક્ષેપો સાથે બબાલ કરી હતી. આ ઘટનાને લઈ તાત્કાલિક પોલીસ દોડી આવી હતી. આક્રોશમાં આવેલા પરિવારજનો અને લોકોએ તબીબોને માર માર્યો હોવાના આક્ષેપો પણ કર્યા હતાં.
આ અંગે રેસિડેન્ટ ડો.ચિંતન સોલંકીએ કહ્યું કે, દોઢ કલાક ત્રીસ લોકોના ટોળુ હતું અને ફીમેલ રેસિડેન્ટને 400 મીટર ઢસડી માર મારવામાં આવ્યો સાથે અન્ય તબીબનો પણ શર્ટ ફાડી નખાવવા આવ્યા હતાં. તે ખુબજ નિંદનીય ઘટના છે, પરિવારજનોની લાગણી આક્રોશ બરાબર છે પરંતુ હિંસા યોગ્ય નથી.
ડો.પ્રાચી શાહએ જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ લાઈટ્સ અવેલેબલ નથી. અમે લેબમાં નાઈટ શિફ્ટ કરીએ ત્યાં લાઈટિંગ નથી. રાત્રે અમે બહાર નીકળીએ તો અમને સ્વાભાવિક છે કે ડરનો માહોલ બની રહે છે. પરિવારે પહેલા વાતચીત કરવી જોઈતી હતી, મારામારી સુધી વાત ના આવવી જોઈએ. તમે રેસિડન્ટ ડોક્ટર્સને મારો છો, તમે એસોસિએટ ઇન્ક્લુડિંગ અ ફીમેલ રેસિડન્ટ... આવું, આવી ઘટના ફરી ના બનવી જોઈએ. અમારી ડિમાન્ડ એ જ છે કે તમે અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરો.
સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું કે, આ મામલાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. જિલ્લા કલેક્ટર અને જોઇન્ટ પોલીસ કમિશનરે હોસ્પિટલના અધિકારીઓ તથા રેસિડેન્ટ તબીબો સાથે વિગતવાર બેઠક કરી છે. બેઠકમાં તબીબોની સમસ્યાઓનો વહેલામાં નિકાલ લાવવાની વાત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ