ભરૂચના રતન તળાવમાં હજારો માછલીના મોત પાણીમાં મૃત જોવા મળી
-ઐતિહાસિક તળાવના બ્યુટીફિકેશનનું કાર્ય પ્રગતિમાં છે ત્યારે આ ઘટના શંકા ઉપજાવે છે -મૃત માછલીઓના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે -આસપાસના રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે ભરૂચ 06 એપ્રિલ (હિ.સ.) ભરૂચ શહેરના ઐતિહાસ
ભરૂચના રતન તળાવમાં હજારો માછલીના મોત પાણીમાં મૃત જોવા મળી


-ઐતિહાસિક તળાવના બ્યુટીફિકેશનનું કાર્ય પ્રગતિમાં છે ત્યારે આ ઘટના શંકા ઉપજાવે છે

-મૃત માછલીઓના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે

-આસપાસના રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે

ભરૂચ 06 એપ્રિલ (હિ.સ.) ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. તળાવમાં હાલમાં વહીવટી તંત્ર દ્વારા બ્યુટીફિકેશનનું કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ આ વિકાસની કામગીરીની વચ્ચે જ તળાવમાં રહેલી હજારો માછલીઓના રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યા છે. તળાવની સપાટી પર તરતી આ મૃત માછલીઓના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના લીધે આસપાસના રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે.

ભરૂચ શહેર રતન તળાવમાં છેલ્લા કેટલાક સમયથી પાણીના સ્ત્રોતમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માછલીઓના મોતના કારણે સમગ્ર વિસ્તારમાં ફેલાયેલી અસહ્ય દુર્ગંધ એટલી તીવ્ર બની છે કે લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. તંત્રની ઢીલી કામગીરીને કારણે હવે આ મામલે લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે.

બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર જોખમ

વિસ્તારમાં ઘણે દૂર સુધી ફેલાયેલી આ દુર્ગંધને કારણે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે રહેવું દુષ્કર બન્યું છે. પ્રદૂષિત વાતાવરણને કારણે શ્વાસ લેવામાં તકલીફ અને માથાના દુખાવા જેવી ફરિયાદો ઉઠી રહી છે. જો સમયસર આ મૃત માછલીઓનો નિકાલ કરવામાં નહીં આવે, તો આ વિસ્તાર 'બીમારીનું કેન્દ્ર' બની શકે છે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે.

ગંભીર બીમારીઓ ફાટી નીકળવાની શક્યતા

સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીમાં સડતી માછલીઓ અને પ્રદૂષિત પાણીને કારણે ગંભીર ચેપી રોગો કે રોગચાળો ફેલાવવાની પૂરેપૂરી શક્યતા છે. તંત્ર દ્વારા હજુ સુધી સફાઈ અભિયાનની કોઈ ઠોસ શરૂઆત કરવામાં આવી નથી, જે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા છતી કરે છે.

સ્થાનિકોના આકરા સવાલ: તંત્ર કેમ મૌન?

આ પરિસ્થિતિને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોએ તંત્ર સામે આકરા સવાલો ઉઠાવતા પૂછ્યું છે કે:

શા માટે હજુ સુધી મૃત માછલીઓ દૂર કરવામાં આવી નથી?

પાણીના શુદ્ધિકરણ માટે કયા પગલાં લેવામાં આવ્યા છે?

આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે?

રહીશોએ એકસૂરે આ મામલે કડક તપાસની માંગ કરી છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે પાણીની સફાઈ અને માછલીઓનો નિકાલ નહીં કરાય તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande