
પાટણ, 06 એપ્રિલ (હિ.સ.)સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે અજાણ્યા તસ્કરોએ ઘરની બહાર સૂતેલા વૃદ્ધ દંપતીને નિશાન બનાવી કુલ રૂ. 1,05,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીમાં રૂ. 45,000 રોકડા અને રૂ. 60,000ની સોનાની ચેનનો સમાવેશ થાય છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પીપરાળાના 67 વર્ષીય દાનસંગજી પાંચાજી સમા અને તેમની પત્ની રત્નાબાઈ રાત્રે ઘરની બહાર સૂતા હતા. રાત્રિના 10:00 થી વહેલી સવારના 02:00 વચ્ચે ચોરોએ દાનસંગજીના શર્ટમાંથી રોકડા અને રત્નાબાઈના ગળામાંથી સોનાની ચેન ચોરી કરી.
વહેલી સવારે દંપતી જાગી જતા તેમણે બે અજાણ્યા શખ્સોને ખેતરો તરફ ભાગતા જોયા, પરંતુ વૃદ્ધ હોવાને કારણે તેઓ પીછો કરી શક્યા નહોતા. તપાસ દરમિયાન ઘરની પાછળના વિસ્તારમાં મોટરસાયકલના ટાયરનાં નિશાન મળ્યા હતા.
આ ઘટનાની જાણ દાનસંગજીએ મુંબઈ રહેતા તેમના પુત્રને કરી હતી. પુત્ર ગામે આવી પિતા સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે બી.એન.એસ. કલમ 303(2) અને 54 હેઠળ ગુનો નોંધી ઇન્સ્પેક્ટર નકુલકુમાર પંચાલને વધુ તપાસ સોંપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ