અંજારમાં ખુલ્લા પ્લોટમાંથી લાખો રૂપિયાના લોખંડના સળીયા સાથે શંકાસ્પદ ઈસમ ઝડપાયો
કચ્છ, 06 એપ્રિલ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લાના અંજાર વિસ્તારમાં પોલીસે પેટ્રોલીંગ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. અંજાર પોલીસ સ્ટાફના જવાનો નિયમિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે હ્યુમન સોર્સ દ્વારા મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
Anjar


કચ્છ, 06 એપ્રિલ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લાના અંજાર વિસ્તારમાં પોલીસે પેટ્રોલીંગ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. અંજાર પોલીસ સ્ટાફના જવાનો નિયમિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે હ્યુમન સોર્સ દ્વારા મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલી ચોક્કસ માહિતી મુજબ વરસામેડી સીમમાં આવેલ મંગલવિહાર સોસાયટી પાછળના ખુલ્લા પ્લોટમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોવાની જાણ થતા પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડ મૂકી તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન પોલીસે એક ઈસમને શંકાસ્પદ પરિસ્થિતિમાં મોટી માત્રામાં લોખંડના સળીયાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. સ્થળ પરથી અલગ-અલગ સાઈઝના આશરે ૧૪,૫૨૫ કિલોગ્રામ જેટલા લોખંડના સળીયા મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ. ૮,૭૧,૫૦૦ જેટલી થાય છે. પોલીસે આ મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

પકડાયેલા ઈસમની ઓળખ સંજય કાનાભાઈ ડેરાસીયા (ઉંમર ૩૦ વર્ષ) તરીકે થઈ છે, જે મંગલવિહાર સોસાયટી, વરસામેડી એરપોર્ટ રોડ વિસ્તારમાં રહે છે અને મૂળ ભાવનગર જિલ્લાના કરદેજ ગામનો વતની છે. પ્રાથમિક તપાસમાં ઈસમ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ હાલ આ લોખંડના સળીયાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે નહીં તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. આ કામગીરીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande