
વલસાડ, 06 એપ્રિલ (હિ.સ.): આગામી તા. 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકા/ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને વિષયવાર કામગીરીઓનું સરળ સંચાલન અને નિરીક્ષણ થાય તે હેતુસર ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સુપેરે પાર પડે તે માટે અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ચૂંટણી સાથે સંકળાયેલા નોડલ અધિકારીઓની બેઠક કલેકટર કચેરી ખાતે મળી હતી.
આ બેઠકમાં મતદાર યાદી/ માર્ક કોપી, ઈ.વી.એમ., ચૂંટણીલક્ષી તાલીમ, આદર્શ આચાર સંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર/ પોસ્ટલ બેલેટ, ચૂંટણી ખર્ચ પર દેખરેખ, મતદાન જાગૃતિની કામગીરી, મતદાન સામગ્રી, વાહન વ્યવસ્થા અને પોલીંગ સ્ટાફ તેમજ મેનપાવર અંગે અધિક જિલ્લા કલેકટર ચુડાસમાએ સંબંધિત કામગીરીના નોડલ અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં આદર્શ આચારસંહિતાના નોડલ-વ- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.કલસરીયા, ઈ.વી.એમ. નોડલ-વ- નાયબ બાગાયત નિયામક એન.એન.પટેલ, ચૂંટણી લક્ષી તાલીમના નોડલ અને જિલ્લા રોજગાર અધિકારી પારૂલ પટેલ, કાયદો અને વ્યવસ્થાના નોડલ – વ- નાયબ પોલીસ અધિક્ષક (એચક્યુ) ભાર્ગવ પંડયા, ચૂંટણી ખર્ચ દેખરેખના નોડલ – વ- જિલ્લા તિજોરી અધિકારી એ.સી.ધોરાજીયા, મતદાન જાગૃતિ કામગીરીના નોડલ –વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા, મતદાન સામગ્રીના નોડલ-વ- જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશનર અને જનરલ મેનેજર વાય.ટી.પાવાગઢી અને કોમ્પ્યુટર રાઈઝેશન તથા ઈ-ડેશબોર્ડના નોડલ –વ- ડિસ્ટ્રીકટ ઈન્ફોરમેટીક ઓફિસર લતાબેન પટેલ સહિત વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે