

પાટણ, 07 એપ્રિલ (હિ.સ.) હારીજ પંથકમાં કમોસમી વરસાદના ઝાપટાં પડતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બપોરના સમયે પવન સાથે બે-ત્રણ વરસાદી ઝાપટાં નોંધાયા હતા. હારીજ નગરમાં પણ વરસાદને કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાયા હતા, જ્યારે માર્કેટયાર્ડમાં રાખવામાં આવેલો ખેતીમાલ પણ ભીનો થઈ ગયો હતો.
આ વરસાદથી તમાકુ, ઘઉં, દિવેલા અને ઈસબગુલ જેવા રવિ પાકોને નુકસાન થવાની આશંકા વધી છે. ખાસ કરીને કાપણી કર્યા પછી ખેતરમાં સુકાવવા મુકાયેલો પાક પલળી જતાં તેની ગુણવત્તા બગડવાની ભીતિ છે. હારીજ વિસ્તારમાં તમાકુનું વાવેતર વધુ હોવાથી તેમાં નુકસાનની શક્યતા વધુ જણાઈ રહી છે.
ગામડાઓમાં ખેડૂતો પાકને બચાવવા માટે ઢગલાઓ ઢાંકવામાં વ્યસ્ત બન્યા છે, પરંતુ પહેલેથી જ ભીનો થયેલો પાક નુકસાન તરફ ધકેલાઈ રહ્યો છે. સોઢવ ગામના ખેડૂત કાન્તિજી ઠાકોરે જણાવ્યું કે પલળેલી તમાકુની ગુણવત્તા ઘટતાં યોગ્ય ભાવ મળવાની શક્યતા ઓછી બની છે, અને વધુ વરસાદ પડ્યો તો પાક સંપૂર્ણપણે બગડી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ