
જામનગર, 08 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના એક પુર્વ નેતા ઉપર હુમલાના કેસમાં ધરપકડ બાદ જેલમાં ગયેલા તે જ વોર્ડના અન્ય પુર્વ કોર્પોરેટર અને પુર્વ વિપક્ષી નેતાએ પોતાને મળેલા બંધારણીય અધિકાર મુજબ આગામી ચુંટણીમાં ઉમેદવારીપત્ર ભરવા માંગેલા વચગાળાના જામીનની અરજી સેશન્સ અદાલતે અરજી રદ કરતા આ મામલો તાત્કાલિક ધોરણે હાઈકોર્ટમાં જવાની શક્યતા સર્જાઈ છે.
તા.ર9 ડિસેમ્બર-2025ના રોજ જે તે વખતે ચાલુ ટર્મના કોર્પોરટર અસલમ ખીલજી ઉપર ખુની હુમલો અને હત્યાના પ્રયાસના કેસમાં ફરિયાદ બાદ ગુનો નોંધાયા બાદ અન્ય આરોપીઓ સાથે પકડાઈને જેલ હવાલે થયેલા વોર્ડ નંબર-12ના જ અન્ય પુર્વ કોર્પોરેટર અને પુર્વ વિપક્ષી નેતા અલ્તાફભાઈ ખફીએ આગામી તા.26ના રોજ આવી રહેલી જામનગર મ્યુ. કોર્પોરેશનની ચુંટણી માટેની ઉમેદવારીની પ્રક્રિયા ચાલુ થઈ હોવાથી તા.6 થી 11 સુધીના વચગાળાના જામીન માંગતી અરજી કરી હતી.
જેમાં તેણે જણાવ્યું હતું કે, પોતે બનાવ સ્થળે હાજર ન હતા, રાજકીય દેશભાવ રાખીને ફરિયાદ દાખલ કરાયેલી છે. બનાવમાં પોતાનો કોઈ સક્રિય રોલ નથી. તેમજ ચુંટણીમાં ઉમેદવારીનું ફોર્મ ભરવું એ તેનો બંધારણીય અધિકાર છે.
આ અરજીની સુનાવણીમાં સેશન્સ અદાલતમાં સરકારી વકીલ રાજેશ કે. વશીયરએ ઉપસ્થિત રહીને એવી દલીલ કરી હતી કે, આરોપી ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. તેના વિરૂધ્ધ આર્મ્સ એક્ટ અને ગુજસીટોક જેવા ગુના હાલમાં દાખલ થયા છે.
તેને વચગાળાના જામીન ઉપર છોડવામાં આવશે તો તે ચુંટણીમાં વિક્ષેપ થવા અને શાંતિ-કાયદો-વ્યવસ્થા સ્થિતિ જોખમાવાની શક્યતા છે. અદાલતે બંને પક્ષોની રજુઆતો બાદ સરકારી વકીલની દલીલો ધ્યાને લઈને પુર્વ કોર્પોરેટરની ચુંટણીની ઉમેદવારીનું ફોર્મ ભરવા માટેની વચગાળાની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt