સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ.
પોરબંદર, 08 એપ્રિલ (હિ.સ.)ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એપ્રિલ-2026 માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ
સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ.


પોરબંદર, 08 એપ્રિલ (હિ.સ.)ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એપ્રિલ-2026 માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી. ધાનાણી (IAS) દ્વારા શસ્ત્ર અધિનિયમ-1959 ની કલમ-22(1)(ખ) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.પોરબંદર જિલ્લામાં જે વિસ્તારમાં ચૂંટણી યોજાનાર છે તે વિસ્તારના સ્વરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્ચિત અપવાદ સિવાયના) એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર દિવસ-7 માં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવી અને હથિયાર જમા કરાવવા સામે કોઇ પરવાનેદારને વાંધો અથવા તકરાર હોય તો આ હુકમ પ્રસિધ્ધ થયેથી દિન-7 માં અત્રે આધારો સાથે લેખિત રજુઆત કરવાની રહેશે.

આ હુકમ પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા તમામ મેજિસ્ટ્રેટઓ, કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ, કે જેઓને કાયદા મુજબ હથિયાર (સરકારી કે અંગત) ધારણ કરવાની મંજુરી આપેલ છે અથવા પરવાનો ધરાવે છે તેમને અથવા ચૂંટણીની ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહી. તેમજ બેંકના રક્ષણ માટે બેંકના મેનેજરના હોદ્દાની રૂએ પરવાનો મંજુર કરાયેલ હોય તે પરવાના અન્વયેના હથિયારોને લાગુ પડશે નહી અને માન્યતા ધરાવતી સિકયુરીટી એજન્સીઓના ગનમેન, કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટ લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુકિત આપવામા આવે છે. આવા સિકયુરીટી ગાર્ડએ તેઓ બેન્કમાં ફરજ બજાવતા હોવાનું સંબધિત બેન્ક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટાગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે.

મોટા ઔધોગીક એકમો, જાહેર સાહસો, બોર્ડ તેમજ નિગમની સલામતી માટે જે તે એકમના સંચાલક અને જવાબદાર અધિકારીના નામે મંજુર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો, મોટા અને મહત્વના ધાર્મિક સ્થળોના મુખ્ય સંચાલક ,મહંત અને પુજારીના નામે મંજુર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો તેમજ શુટીંગની રમતના રમતવીર કે જેઓ વિવિધ સ્તરે રાષ્ટ્રીય રાઈફ્લ એસોસિએશનના સભ્ય છે અને તેમણે વિવિધ શુટીંગ સ્પર્ધામાં ભાગ લેવાનો થતો હોય જેમાં તેઓ તેમની રાઈફલનો ઉપયોગ કરે છે તેમને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપેલ હોઇ તેઓને લાગુ પડશે નહી.

વધુમાં ઉપરોકત તમામ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થયા પછી દિવસ-7 માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જએ પૂર્ણ કરી લેવાની રહેશે. આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સબંધિત પરવાનેદારની રહેશે.

આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ-30 તથા ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande