
જુનાગઢ, 08 એપ્રિલ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને મતદાનના દિવસે અનુસરવાની થતી આવશ્યક જોગવાઈઓ બહાર પાડી છે. જેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
આ ચૂંટણીઓ દરમિયાન મતદાનની પ્રક્રિયા કોઈ પણ જાતની ખલેલ વિના શાંત વાતાવરણમાં યોજાય તેમજ બહારના તોફાની તત્વો આ મતદાનની કાર્યવાહી દરમિયાન મતદારોને ખલેલ પહોંચાડે નહીં તથા અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ મતદાન દરમિયાન આચરે નહીં તે માટે તેમજ મતદાન દરમિયાન આક્ષેપ-પ્રતિ આક્ષેપ દ્વારા જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સંજોગો ઉપસ્થિત ન થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જરૂરી પ્રતિબંધો મૂકવામાં આવ્યાં છે.
જાહેરનામા મુજબ, મતદાન મથકથી ૧૦૦ મીટરના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકી સાથે ભેગું/એકઠું થવું નહિ કે તેવી વ્યકિતઓની મંડળી કોઈએ ભરવી નહિ કે બોલાવવી નહિ. ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ/અધિકારીઓ કે લગ્નના વરઘોડા કે સ્મશાન યાત્રાને કે મતદાન માટે લાઈનમાં ઉભેલા મતદારોને આ પ્રતિબંધ લાગુ પડશે નહિ. મતદારો, ઉમેદવારો અને તેના ચૂંટણી/મતદાન એજન્ટ સિવાય, રાજય ચૂંટણી પંચનો અથવા જિલ્લા ચૂંટણી અધિકારીનો ખાસ માન્ય અધિકૃત પત્ર ધરાવતા વ્યકિતઓ જ મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે. તે સિવાયના કોઈ પણ વ્યકિત મતદાન મથકમાં પ્રવેશી શકશે નહિ તેમજ હરીફ ઉમેદવારો, તેઓના કાર્યકરો દ્વારા મતદાન મથકથી ર૦૦ મીટરના અંતર સુધીમાં કોઈ પણ મંડપ કે કેમ્પ ઉભા કરી શકશે નહિં.
આવા મંડપ મતદાન મથકની ૨૦૦ મીટરના અંતરથી બહારના વિસ્તારમાં એક જ મંડપ બાંધી શકશે અને તેમાં એક ટેબલ અને બે ખુરશી જ રાખી શકાશે. તડકાથી /વરસાદથી રક્ષણ માટે છત્રી અથવા તાડપત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે. પરંતુ મંડપની ફરતે કંતાન કે પછેડી જેવી આડશ લગાવી શકાશે નહિ.
આવા મંડપ બાંધવા માંગતા ઉમેદવારે જગ્યા અંગે સ્થાનિક સતામંડળની લેખિત પરવાનગી મેળવવાની રહેશે અને સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને જાણ કરવી જોઈશે. મતદારોને કોઈ સ્લીપ આપવામાં આવે તેમાં ઉમેદવારનું નામ/ચિન્હ, પ્રતિક લખેલુ હોવું જોઈશે નહિ. મતદાન કરીને આવેલ મતદારને મંડપમાં ભેગા/એકત્ર કરી શકાશે નહિ કે થવા દેશે નહિ. મંડપમાં મતદાન મથકમાં મતદાનની પ્રક્રિયામાં અડચણ (હરકત) ઉભી ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. મતદાર કોઈ પણ ઉમેદવારના મંડપમાં સ્લીપ લેવા જઈ શકશે તેમ કરતા કોઈ પણ પ્રકારે કોઈ પણ ધ્વારા તેને અટકાવી શકાશે નહિ. મંડપમાંના કાર્યકરો સુમેળભર્યા વાતાવરણમાં જ કાર્યવાહી કરી શકશે. કાયદો-વ્યવસ્થા જાળવવામાં હરકત થશે તો મંડપ દુર કરવાની કાર્યવાહી સક્ષમ સત્તાધિકારી કરી શકશે.
મતદાન મથકની ૨૦૦ મીટરના અંતર સુધીના વિસ્તારમાં ચૂંટણી પ્રચારનું કોઈ પણ સાહિત્ય, બેનર, પોસ્ટર, કટ આઉટ વિગેરે રાખી શકાશે નહીં, મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં તેમજ કોઈ પણ વ્યકિતએ મતદાન માટે નિયત કરેલ સમય દરમ્યાન મતદાન મથકે ગેરવર્તણુંક કરવી નહિં. તેમજ મતદાન મથકના પ્રમુખ અધિકારીએ આપેલ કાયદેસર સુચનાઓનું પાલન કરવાનું રહેશે.
મતદાનના દિવસે સલામતી અંગે ધમકી મળી હોય અને ત્યાંથી સત્તાવાર સુરક્ષા પુરી પાડવામાં આવી હોય તેવી વ્યકિતએ તેના સુરક્ષા કર્મચારી સહિત મતદાન મથકની હદની આસપાસના વિસ્તારમાં (૧૦૦ મીટરની અંદર) પ્રવેશવું નહિ. વધુમાં મતદાનના દિવસે આવી કોઈ વ્યકિતએ તેના સલામતી કર્મચારી વર્ગ સાથે મતદાન મથકની આસપાસ ફરવું નહિ. જેને સતાવાર સલામતી પુરી પાડવામાં આવી હોય તે વ્યકિત મતદાર હોય તો પણ તે અથવા તેણીએ સુરક્ષા કર્મચારી સાથેની તેની અવર-જવર મતદાન કરવા પુરતી જ મર્યાદિત રાખવી. સુરક્ષા અંગે ધમકી મળી હોવાના કારણે જેને સત્તાવાર સુરક્ષા મળી હોય અથવા પોતાના માટે જેણે ખાનગી સલામતી સુરક્ષા રાખ્યા હોય તેવી વ્યકિતની ચૂંટણી એજન્ટ અથવા મતદાન એજન્ટ અથવા મતગણતરી એજન્ટ તરીકે નિયુકિત કરવી નહિ.
ઉમેદવારો કે તેના ચૂંટણી એજન્ટે અથવા ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સમંતિથી બીજી કોઈ વ્યકિતએ મતદાન મથક સુધી અથવા મતદાન મથકથી અથવા મતદાન માટે નિયત કરેલ સ્થળ સુધી કે સ્થળથી કોઈ પણ મતદારને મફત પરત લાવવા લઈ જવા માટે કોઈ વાહન કે બીજા કોઈ સાધનોનો ઉપયોગ કરવો નહીં કે એવુ કોઈ વાહન કે બીજુ કોઈ સાધન પૈસા આપીને અથવા બીજી રીતે ભાડે રાખવું કે મેળવવુ નહીં.
કોઈ પણ મતદાન મથકે મતદાનના દિવસે કોઈ પણ વ્યકિતએ મતદાન માટે મતદાન મથકે આવતી કોઈ વ્યકિતને ત્રાસ થાય કે મતદાન મથક પર ફરજ બજાવતાં અધિકારીઓ અને બીજી વ્યકિતઓના કામમાં દખલ થાય તેવું મતદાન મથકમાં અથવા તેના દરવાજે અથવા તેની નજીકના ખાનગી કે જાહેર સ્થળે માનવ ધ્વનિને વધારતુ કે તેનો પડઘો પાડતુ યંત્ર કે લાઉડ સ્પીકર વાપરવુ નહીં કે તેવું સંચાલન કરવુ નહીં અથવા મતદાન મથકમાં અથવા તેના દરવાજે અથવા તેની નજીકનાં જાહેર કે ખાનગી સ્થળે બુમો પાડીને કે બીજી રીતે ધાંધલ કરવી નહીં. મતદાન સમય દરમ્યાન મતદાન એજન્ટો મતદારયાદી મતદાન મથકની બહાર લઈ જઈ શકશે નહીં.
મતદાનના દિવસે મતદાન મથકમાં પ્રવેશવા માટે મતદારોએ એક લાઈનમાં ઉભા રહેવાનું રહેશે. પરંતુ સ્ત્રી મતદારો માટે અલગ અલગ લાઈનની વ્યવસ્થા હોય તો તેઓએ અલગ લાઈનમાં ઉભા રહેવાનું રહેશે, મતદારોએ મતદાન મથકમાં એક પછી એક વારા ફરતી ક્રમમાં પ્રવેશવાનું રહેશે અને મતદારોએ મત આપ્યા બાદ તુર્તજ મતદાન મથક છોડી દેવાનું રહેશે. જેને મતદાનના દિવસે અનુસરવાના રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNS, 2023 ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ