સુત્રાપાડા તાલુકામાં આંગણવાડી બહેનો દ્વારા CDPO ને આવેદન – પોષણ ટ્રેકર ઓનલાઈન કામગીરી બંધ અંગે રજૂઆત
ગીર સોમનાથ, 08 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મહત્વપૂર્ણ મુદ્દાને લઇને તાલુકા બાળ વિકાસ યોજના અધિકારી (CDPO) સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત ગીર સોમનાથ જિલ્લા આંગણવાડી કર્મચા
સુત્રાપાડા તાલુકામાં આંગણવાડી બહેનો દ્વારા CDPO ને આવેદન


ગીર સોમનાથ, 08 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મહત્વપૂર્ણ મુદ્દાને લઇને તાલુકા બાળ વિકાસ યોજના અધિકારી (CDPO) સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત ગીર સોમનાથ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા કરવામાં આવી છે.

આવેદન મુજબ, અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ, જે ભારતીય મજદૂર સંઘ (BMS) સાથે સંલગ્ન છે, તેની સૂચના અનુસાર તા. 01/04/2026થી અનિશ્ચિત મુદત સુધી “પોષણ ટ્રેકર” એપ્લિકેશનમાં થતી તમામ ઓનલાઈન કામગીરીથી દૂર રહેવાનો સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયના ભાગરૂપે ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ ટ્રેકર હેઠળની ઓનલાઈન કામગીરી – જેમ કે બાળકોનું વજન, ઊંચાઈ, FRS, AVT, CBF સહિતની તમામ એન્ટ્રીઓ – પૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

આંગણવાડી બહેનો દ્વારા જણાવાયું છે કે તેમની આ લડત કેન્દ્ર સરકારની પોષણ ટ્રેકર સંબંધિત કામગીરી સામે છે અને મહાસંઘ તરફથી આગામી સૂચનાઓ મળ્યા સુધી ઓનલાઈન કામગીરી બંધ જ રહેશે. તેમ છતાં, તેમણે સ્પષ્ટ કર્યું છે કે આંદોલન દરમ્યાન કોઈપણ લાભાર્થીને નુકસાન ન થાય તે માટે જરૂરી સેવા ઓફલાઈન રીતે ચાલુ રાખવામાં આવશે.

આંગણવાડી બહેનો દ્વારા જણાવાયું છે કે ભારતીય મજદૂર સંઘ હંમેશા રાષ્ટ્રહિતને સર્વોપરી માને છે અને આંદોલન દરમિયાન પણ તે જ ભાવનાથી કામગીરી કરવામાં આવશે.

આવેદન સાથે અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા લેવાયેલા નિર્ણયની નકલ તથા ગીર સોમનાથ કલેક્ટરશ્રીને આપવામાં આવેલી રજૂઆતની કોપી પણ જોડવામાં આવી છે.

આ સમગ્ર મામલે આંગણવાડી બહેનોની માંગ અને રજૂઆત અંગે તંત્ર દ્વારા યોગ્ય વિચારણા કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande