ગુજરાતની અસ્મિતા પર આંચ સામે ભાજપનો મૌન પ્રહાર: ભુજમાં કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ
કચ્છ, 08 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતની જનતાને લઈ કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા ગુજરાતની જનતાને ‘અભણ’ અને ‘મૂર્ખ’ તરીકે સંબોધવામાં આવ્યા હોવાના આક્ષેપો વચ્ચે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કડક વિ
BJP 1


કચ્છ, 08 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતની જનતાને લઈ કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા ગુજરાતની જનતાને ‘અભણ’ અને ‘મૂર્ખ’ તરીકે સંબોધવામાં આવ્યા હોવાના આક્ષેપો વચ્ચે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ મુદ્દે ભાજપે રાજ્યના સ્વાભિમાન સાથે જોડાયેલી લાગણીઓને સ્પર્શતા પ્રતિક્રિયા આપી છે.

જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વમાં ભુજના જયુબેલી ગ્રાઉન્ડ ખાતે ‘મૌન ધરણા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. મૌન રહીને વિરોધ દર્શાવવાનો આ પ્રયોગ રાજકીય રીતે પ્રતીકાત્મક ગણાયો હતો, પરંતુ તેમાં છુપાયેલો સંદેશ અત્યંત તીવ્ર હતો.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા આગેવાનોમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ સહપ્રવક્તા મનજીભાઈ આહિર તેમજ મહામંત્રીઓ હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી સહિત અનેક આગેવાનોનો સમાવેશ થયો હતો. તમામે એકસ્વરે કોંગ્રેસના નિવેદનોને ગુજરાતના ગૌરવ પર સીધી ચોટ ગણાવી હતી.

વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતની ખમીરવંતી જનતા દેશના વિકાસમાં અગ્રેસર રહી છે અને આવી જનતાને અપમાનિત કરવાનો કોઈને અધિકાર નથી. તેમણે કોંગ્રેસને તાત્કાલિક માફી માંગવાની માંગણી કરી હતી અને ચેતવણી આપી હતી કે આવી માનસિકતા સામે ભાજપ સતત લડત આપશે. કાર્યક્રમ દરમિયાન “કોંગ્રેસ માફી માંગો” જેવા નારાઓ ગુંજી ઉઠ્યા હતા. સાથે જ ભાજપ કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ગુજરાતની અસ્મિતા સાથે કોઈ પણ પ્રકારનો અપમાન સહન કરવામાં આવશે નહીં અને આવનારા સમયમાં જનતા યોગ્ય જવાબ આપશે.

આ સમગ્ર ઘટનાએ રાજ્યની રાજનીતિમાં નવી ચર્ચાઓ જગાવી છે, જ્યાં એક બાજુ કોંગ્રેસના નિવેદનો પર સવાલો ઉઠી રહ્યા છે તો બીજી બાજુ ભાજપ આ મુદ્દાને જનમાનસ સુધી પહોંચાડવા સક્રિય બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande