સુરતમાં ‘ડાયમંડ કટ’ પર વિશેષ પોસ્ટલ ટિકિટનું વિમોચન, વાઈબ્રન્ટ સમિટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો
સુરત, 01 મે (હિ.સ.) : સુરતમાં આયોજિત દક્ષિણ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ગુજરાત સ્થાપના દિવસના અવસરે શહેરને વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ મળી છે. ભારત સરકારના પોસ્ટલ વિભાગ દ્વારા સુરતના કટ ડાયમંડને મળેલા GI ટેગના સન્માનમાં વિશેષ પોસ્ટલ ટિકિટ જાહેર કરવામ
postal stamp on ‘Diamond Cut’ released in Surat


સુરત, 01 મે (હિ.સ.) : સુરતમાં આયોજિત દક્ષિણ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ગુજરાત સ્થાપના દિવસના અવસરે શહેરને વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ મળી છે. ભારત સરકારના પોસ્ટલ વિભાગ દ્વારા સુરતના કટ ડાયમંડને મળેલા GI ટેગના સન્માનમાં વિશેષ પોસ્ટલ ટિકિટ જાહેર કરવામાં આવી. આ ટિકિટનું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં અમદાવાદથી મુંબઈ સુધીનો પ્રવાસ હાલ મુંબઈથી દહિસર જવામાં જેટલો સમય લાગે છે તેનાથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકશે. આથી દક્ષિણ ગુજરાત અને મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે અગાઉ વાઈબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો ગાંધીનગર અને અમદાવાદ સુધી મર્યાદિત હતા, પરંતુ હવે રાજ્ય સરકારે નાના વેપારીઓ અને સ્થાનિક રોકાણકારોને પણ આ પ્લેટફોર્મ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. ઉધના અને કડોદરા જેવા વિસ્તારોના વેપારીઓને લાભ મળે તે માટે પ્રથમ વખત રિજનલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.

સમિટ દરમિયાન આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક રોકાણ કરાર (MoU) થવાની આશા વ્યક્ત કરવામાં આવી. મહેસાણામાં 3.24 લાખ કરોડ અને રાજકોટમાં 5.78 લાખ કરોડના MoU થયા બાદ હવે સુરતમાં તેનાથી વધુ રોકાણ થવાની સંભાવના વ્યક્ત થઈ છે.

કાર્યક્રમમાં જાપાનના રાજદૂત કેઇચી ઓનોએ ગુજરાતીમાં ભાષણ આપી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમણે જણાવ્યું કે 2009થી જાપાન વાઈબ્રન્ટ ગુજરાતનો ભાગીદાર દેશ રહ્યો છે અને સુરતને ડાયમંડ ઉદ્યોગનું વૈશ્વિક કેન્દ્ર ગણાવ્યું. સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનના સહયોગનો પણ ઉલ્લેખ કર્યો.

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલએ દેશમાં વધતા ભૂગર્ભ જળ ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે ભારત અમેરિકા અને ચીન કરતાં પણ વધુ ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે, જે ગંભીર પરિસ્થિતિ છે. તેમણે ઔદ્યોગિક એકમોને સરફેસ વોટરનો ઉપયોગ કરવા અપીલ કરી.

સી. આર. પાટીલએ જણાવ્યું કે સુરતમાં દેશનું અદ્યતન સરકારી ભવન બની રહ્યું છે. રિંગ રોડ પર બનેલા 29 માળના બે ટાવર પૈકી એકનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને આવતાં વર્ષે 1 મેના રોજ તેનું લોકાર્પણ થવાની તૈયારી ચાલી રહી છે. આ ઈમારત દેશની પહેલી એવી સરકારી ઈમારત હશે જેમાં સૌથી વધુ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande