તેલંગાણાનો વિકાસ વિકસિત ભારતના લક્ષ્યને વેગ આપશે: પ્રધાનમંત્રી
નવી દિલ્હી, 10 મે (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં જણાવ્યું હતું કે, રાજ્યોના વિકાસ વિના દેશનો વિકાસ શક્ય નથી અને તેલંગાણાનો વિકાસ વિકસિત ભારતના લક્ષ્યને વેગ આપશે. કેન્દ્ર સરકાર રાજ્યોના ઝડપી વિકાસને પોતાની યોજનાઓ
હૈદરાબાદમાં 9,400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ


નવી દિલ્હી, 10 મે (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં જણાવ્યું હતું કે, રાજ્યોના વિકાસ વિના દેશનો વિકાસ શક્ય નથી અને તેલંગાણાનો વિકાસ વિકસિત ભારતના લક્ષ્યને વેગ આપશે. કેન્દ્ર સરકાર રાજ્યોના ઝડપી વિકાસને પોતાની યોજનાઓનું કેન્દ્રબિંદુ માનીને કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ, રવિવારે હૈદરાબાદ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (એચઆઈસીસી) થી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા 9,400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેલંગાણાનું સામર્થ્ય માત્ર રાષ્ટ્રીય જ નહીં, પરંતુ વૈશ્વિક પણ છે. અહીંના આસપાસના વિસ્તારને દેશનું મોટું ઉત્પાદન કેન્દ્ર બનાવવાની દિશામાં અનેક મોટા પ્રકલ્પો શરૂ કરવામાં આવી રહ્યા છે, જેનાથી હજારો યુવાનોને રોજગારી મળશે અને રાજ્યની સંપર્ક વ્યવસ્થા મજબૂત થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત અત્યારે સુધારા અને આધુનિક માળખાગત સુવિધાઓની “એક્સપ્રેસ” પર આગળ વધી રહ્યું છે. ઝહીરાબાદ ઔદ્યોગિક વિસ્તારનો વિકાસ આ જ વિચારનો એક ભાગ છે. આ વિસ્તારને એક ઔદ્યોગિક સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવશે, જ્યાં વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ, શ્રેષ્ઠ વીજ પુરવઠો અને અદ્યતન માહિતી અને સંચાર ટેકનોલોજી નેટવર્ક ઉપલબ્ધ હશે. તેમણે કહ્યું કે આનાથી વિશ્વભરના રોકાણકારોને ઉદ્યોગ સ્થાપવા માટે જરૂરી સુવિધાઓ મળશે.

તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચી રહી છે અને તેનાથી યુવાનો માટે મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે. અહીં બનનારા વાહન, મશીનરી અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો ખેડૂતો અને શ્રમિકોને પણ સશક્ત બનાવશે.

પ્રધાનમંત્રીએ વારંગલ પીએમ મિત્ર પાર્કનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ભારત તેના કાપડ ઉદ્યોગના ઐતિહાસિક વારસાને ફરીથી મજબૂત કરી રહ્યું છે. પીએમ મિત્ર પાર્ક દેશમાં કાપડ ક્રાંતિને નવી ગતિ આપશે અને અહીં સ્થાપિત થનારા એકમોને કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજનાનો પણ લાભ મળશે. આનાથી ખાસ કરીને મહિલાઓ અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, છેલ્લા 12 વર્ષોમાં આધુનિક સંપર્ક વ્યવસ્થા કેન્દ્ર સરકારની મોટી પ્રાથમિકતાઓમાં રહી છે. રોડ, રેલવે અને એરપોર્ટના વિકાસ પર અભૂતપૂર્વ રોકાણ કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર આશરે પોણા બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે, જેનો લાભ તેલંગાણાને પણ મળ્યો છે. છેલ્લા 11 વર્ષોમાં તેલંગાણામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક બમણું થયું છે.

તેમણે કહ્યું કે, તેલંગાણા અને કર્ણાટકને જોડતા નેશનલ હાઈવેના પહોળીકરણથી મુસાફરીનો સમય ઘટશે અને માલસામાનના પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થશે. પ્રધાનમંત્રીએ રેલવે પરિયોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે વર્ષ 2014 પહેલા અવિભાજિત આંધ્રપ્રદેશ માટે રેલવે બજેટ એક હજાર કરોડ રૂપિયા કરતા પણ ઓછું હતું, જ્યારે આજે માત્ર તેલંગાણા માટે રેલવે બજેટ લગભગ પાંચ હજાર કરોડ રૂપિયા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હાલમાં રાજ્યમાં હજારો કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. તેલંગાણામાં પાંચ વંદે ભારત અને છ અમૃત ભારત ટ્રેનો દોડી રહી છે. આ સાથે કાઝીપેટ-વિજયવાડા મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટના કેટલાક વિભાગો અને કાઝીપેટ રેલ અંડર બાયપાસ લાઇન પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, 21મી સદીમાં ઉર્જા સુરક્ષા અત્યંત મહત્વનો વિષય બની ગઈ છે. ભારત ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે અભૂતપૂર્વ રોકાણ કરી રહ્યું છે. મલકાપુરમાં ઇન્ડિયન ઓઇલના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે તેલંગાણાની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પૂરી કરશે અને સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત સૌર ઉર્જા ક્ષેત્રે વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થઈ ગયું છે. પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ, સો ટકા એલપીજી કવરેજ અને પાઇપ દ્વારા સસ્તી ગેસ પૂરી પાડવા જેવા પગલાંથી દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યો છે.

તેમણે લોકોને પેટ્રોલ, ડીઝલ અને ગેસ જેવા ઉર્જા સંસાધનોના સંયમિત ઉપયોગની અપીલ કરતા કહ્યું કે, આનાથી વિદેશી હૂંડિયામણની બચત થશે અને વૈશ્વિક સંકટોની માઠી અસરોને ઘટાડી શકાશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેલંગાણાનો યુવાન નવા સપના જોઈ રહ્યો છે અને રાજ્યનો ખેડૂત નવી આશાઓ સાથે આગળ વધવા માંગે છે. અહીંના ઉદ્યોગો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ વિકસિત તેલંગાણાના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા માંગે છે. કેન્દ્ર સરકાર રાજ્યના વિકાસ માટે વધુ ઝડપથી કામ કરવાનું ચાલુ રાખશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande