
રાયપુર, નવી દિલ્હી, 10 મે (હિ.સ.)। ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સંચાલિત “જ્ઞાનભારતમ રાષ્ટ્રીય હસ્તપ્રત સર્વેક્ષણ અભિયાન” અંતર્ગત છત્તીસગઢના ગૌરેલા-પેન્ડ્રા-મરવાહી જિલ્લામાં એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. પેન્ડ્રા શહેરની જૂની વસ્તીમાં સદીઓ જૂની દુર્લભ હસ્તપ્રતો અને દસ્તાવેજો શોધી કાઢવામાં આવ્યા છે, જેને હવે ડિજિટલ માધ્યમથી ભવિષ્ય માટે સુરક્ષિત કરી લેવામાં આવ્યા છે.
બે મુખ્ય સ્થળોએથી અમૂલ્ય ધરોહર પ્રાપ્ત- સર્વેક્ષણ ટીમને પેન્ડ્રાના વોર્ડ ક્રમાંક 4 માં બે મુખ્ય સ્થળોએથી અમૂલ્ય ધરોહર પ્રાપ્ત થઈ છે. પંડિત મોહન દત્ત શર્માના નિવાસસ્થાનેથી 500 વર્ષ જૂની ‘અથ શ્રીમદભગવદ ગીતા’ સહિત અનેક હસ્તલિખિત ધાર્મિક ગ્રંથો મળ્યા છે. આ હસ્તપ્રતો આકર્ષણનું કેન્દ્ર રહી હતી, જેના પર કલેક્ટર ડૉ. સંતોષ કુમાર દેવાંગને શ્રદ્ધાપૂર્વક વંદન કર્યા હતા.
સર્વેક્ષણ દરમિયાન, જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ રાજા ઉપેન્દ્ર બહાદુર સિંહના નિવાસસ્થાનેથી લગભગ 200 વર્ષ જૂની હસ્તલિખિત જમીનદારી વંશાવળી તથા પેન્ડ્રાગઢ વિસ્તારના મહેસૂલ અને વન વિભાગને લગતા ઐતિહાસિક નકશાઓ પણ પ્રાપ્ત થયા છે. આ દસ્તાવેજોને પણ ડિજિટલ ટેકનિકના માધ્યમથી સંરક્ષિત કરવામાં આવ્યા છે. કલેક્ટરે રાજા ઉપેન્દ્ર બહાદુર સિંહ અને તેમના ધર્મપત્ની શિખા સિંહ સાથે પારિવારિક ઇતિહાસ, જમીનદારી પરંપરા અને ઐતિહાસિક ધરોહર અંગે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવા દસ્તાવેજો સ્થાનિક ઇતિહાસ અને વહીવટી માળખાને સમજવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે.
ધાર્મિક અને શાસ્ત્રીય જ્ઞાનની અનમોલ હસ્તપ્રતો- પ્રાપ્ત હસ્તપ્રતોમાં લગ્ન ચંદ્રિકા, ઇતિચંદ્રિકાખ્યાતપ્રારંભઃ, અથશ્રીભાગવતમહાત્મ્યપ્રારંભતે, યદ્વાદશમહાવાક્યનિર્ણયપ્રારંભઃ, શીઘ્રબોધસટીકપ્રારંભઃરામચંદ્રાયનમઃ તથા ઇતિ સારસ્વત તદ્વિત પ્રક્રિયા સમાપ્તાઃ સંવત 1925 શ્રીઃ અશ્વિનશુક્લ જેવી પ્રાચીન હસ્તલિખિત સામગ્રી સામેલ છે. આ ગ્રંથોની ભાષા, લેખન શૈલી અને સંરક્ષણની સ્થિતિ પ્રાચીન ભારતીય વિદ્યા, સંસ્કૃત સાહિત્ય અને ધાર્મિક અભ્યાસની સમૃદ્ધ પરંપરાને દર્શાવે છે.
આધુનિક ટેકનિક દ્વારા સંરક્ષણ (જિયો-ટેગિંગ)- આ દુર્લભ ગ્રંથોને જ્ઞાનભારતમ એપ દ્વારા જિયો-ટેગિંગ કરીને ડિજિટલ સ્વરૂપમાં સંરક્ષિત કરવામાં આવ્યા છે. આ હસ્તપ્રતો તેમના મૂળ માલિકો પાસે જ રહેશે. ડિજિટલ સંરક્ષણનો ઉદ્દેશ્ય માત્ર તેમના જ્ઞાનને સુરક્ષિત કરવાનો છે, જેથી પરિવારનો વારસો અને સાંસ્કૃતિક ઓળખ અકબંધ રહે.
વહીવટી દ્રષ્ટિકોણ- કલેક્ટર ડૉ. સંતોષ કુમાર દેવાંગને આ પહેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ માત્ર ધાર્મિક આસ્થા નથી, પરંતુ આપણી જ્ઞાન પરંપરા અને ઇતિહાસની અમૂલ્ય ધરોહર છે. તેમણે ઉમેર્યું હતું કે, આ હસ્તપ્રતોનું ડિજિટલ સંરક્ષણ આવનારી પેઢીઓ માટે જ્ઞાનના આ ખજાનાને સુરક્ષિત રાખવાની દિશામાં અત્યંત મહત્વનું પગલું છે.
વિરાસતને જાળવતો સંયુક્ત પરિવાર- ધાર્મિક હસ્તપ્રતોના સંરક્ષણ અને સ્મૃતિ ચિહ્નાંકન માટે પંડિત મોહન દત્ત શર્માના 10 સભ્યોના સંયુક્ત પરિવાર સાથે વિશેષ ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. પરિવારમાં તેમના ધર્મપત્ની શશીદેવી શર્મા, પુત્રો ગિરીશ દત્ત શર્મા અને સંદીપ દત્ત શર્મા, પુત્રવધૂઓ રંજીતા શર્મા અને અમૃતા શર્મા, પૌત્રો વરુણ દત્ત શર્મા, વેદાંત દત્ત શર્મા, સારસ્વત દત્ત શર્મા તથા પૌત્રી સૌમ્યા શર્મા સામેલ છે.
આ ઐતિહાસિક સંરક્ષણ અભિયાન દરમિયાન જિલ્લા પંચાયત મુખ્ય કાર્યકારી અધિકારી મુકેશ રાવટે, એસડીએમ વિક્રાંત આંચલ, જિલ્લા સંયોજક ડૉ. રાહુલ ગૌતમ અને સર્વેક્ષણ ટીમના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન જિલ્લામાં સાંસ્કૃતિક ચેતના જગાડવા અને સ્થાનિક ઇતિહાસને સમજવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / ગાયત્રી પ્રસાદ ધીવર / ચંદ્ર નારાયણ શુક્લ / ગેવેન્દ્ર પ્રસાદ પટેલ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ