
વેરાવળ (ગીર સોમનાથ) ગુજરાત, નવી દિલ્હી, 11 મે (હિ.સ.): ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ 'સોમનાથ મંદિર'નું પ્રાંગણ અમૃત પર્વ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પહેલીવાર મંદિરના ભવ્ય શિખર પર વિશેષ કળશ દ્વારા દેશના 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. આ સાથે જ સોમનાથના ગૌરવશાળી ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અંદાજે 10:15 વાગ્યે આ આયોજનના સાક્ષી બનશે.
વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા આશરે 8 ફૂટ ઊંચા કળશની ક્ષમતા 1100 લિટરની છે. તેની સમગ્ર સંરચનાનું વજન 1860 કિલોગ્રામ છે, જેમાં કળશનું વજન 760 કિલોગ્રામ છે. આટલો વિશાળ અને તકનીકી રીતે અદ્યતન કળશ પોતાનામાં જ એક અદભૂત એન્જિનિયરિંગનું ઉદાહરણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સામેલ થશે. દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે સોમનાથ પહોંચી ગયા છે. સોમનાથ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
સોમનાથ અમૃત મહોત્સવ પુનઃનિર્મિત મંદિરના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશેષ મહાપૂજામાં સામેલ થશે. ત્યારબાદ કુંભાભિષેક અને ધ્વજારોહણ સમારોહમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમનાથના સમૃદ્ધ વારસા અને આધ્યાત્મિક મહત્વ પર કેન્દ્રિત સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે.
અમૃત મહોત્સવ સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, 90 મીટર ઊંચી ક્રેનની મદદથી આ વિશાળ કુંભને મંદિરના શિખર સુધી સાવચેતીપૂર્વક પહોંચાડવામાં આવશે. અત્યાધુનિક રિમોટ કંટ્રોલ પ્રણાલી અને સેન્સર સિસ્ટમની મદદથી માત્ર 3 મિનિટમાં શિખર પર સ્થાપિત કળશ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને ઘંટારવના ગુંજારવ વચ્ચે 11 પવિત્ર તીર્થોના પવિત્ર જળથી શિખર અભિષેક સંપન્ન થશે. આ મંદિર ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ