રાજકોટમાં રૂપિયાની લેતી-દેતી મામલે નિવૃત ASIના પુત્રએ કુખ્યાત રામદેવ ડાંગર સામે બે રાઉન્ડ ફાયરિંગ
રાજકોટ, 11 મે (હિ.સ.) : રાજકોટ જામનગર હાઇવે પર નાગેશ્વર નજીક આવેલા જેમ્કો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે 9 મે 2026 શનિવારના રોજ સાંજના 04:30 વાગ્યા આસપાસ ફાયરિંગનો બનાવ બન્યો હોવાની ઘટના સામે આવી હતી. રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલ
રાજકોટમાં રૂપિયાની લેતી-દેતી મામલે નિવૃત ASIના પુત્રએ કુખ્યાત રામદેવ ડાંગર સામે બે રાઉન્ડ ફાયરિંગ


રાજકોટ, 11 મે (હિ.સ.) : રાજકોટ જામનગર હાઇવે પર નાગેશ્વર નજીક આવેલા જેમ્કો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે 9 મે 2026 શનિવારના રોજ સાંજના 04:30 વાગ્યા આસપાસ ફાયરિંગનો બનાવ બન્યો હોવાની ઘટના સામે આવી હતી.

રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલા જેમકો સેલ્સ એન્ડ સર્વિસ કમ્પાઉન્ડમાં ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે.

આ મામલે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રૂપિયાની લેતી-દેતીના વિવાદમાં મિત્ર એવા દિવ્યરાજસિંહ સરવૈયા અને રામદેવ ડાંગર વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ફાયરિંગ સુધી પહોંચ્યો હતો.

સમગ્ર મામલાની જાણ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ, ડીસીપી ઝોન 2ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને થતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળ ખાતે દોડી ગયો હતો. તેમજ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પીએસઈ તરીકે ફરજ બજાવનારા ધારા જોશી દ્વારા હિસ્ટ્રીશીટર રામદેવ ડાંગર તેમજ કથિત ફોટો જર્નાલિસ્ટ દિવ્યરાજસિંહ સરવૈયા વિરુદ્ધ BNSની કલમ 109 (1), 125 તેમજ આર્મ્સ એક્ટની કલમ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ધારા જોશીએ આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે, શનિવારના રોજ સાંજના 7:45 વાગ્યા આસપાસ ખાનગી રાહે હકીકત મળી હતી કે, જામનગર રોડ પર નાગેશ્વર જવાના રસ્તે જેમ્કો સેલ્સ એન્ડ સર્વિસ સેન્ટરની અંદર કમ્પાઉન્ડમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. જેથી તાત્કાલિક અસરથી ઘટના સ્થળ ખાતે પહોંચીને સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમજ બપોરના સમયે કોઈ ફાયરિંગનો બનાવ બનેલો છે કે કેમ? તે બાબતે પૂછતા ફાયરિંગનો બનાવ બન્યો હોવાનું સમર્થન આપ્યું હતું.

પોલીસે આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા 4:30 વાગ્યા આસપાસ સિલ્વર કલરની કાર સ્પીડમાં આવીને કમ્પાઉન્ડમાં ઊભી રહે છે. તેમજ ત્યારબાદ ડ્રાઇવિંગ સીટ ઉપરથી એક વ્યક્તિ કારમાંથી નીચે ઉતરીને પોતાના હાથમાં રહેલા હથિયારથી સામેના ભાગે ઝાડ નીચે ઉભેલા માણસ તરફ ફાયરિંગ કરે છે. જેથી ગેટની બાજુમાં આવેલા રૂમમાંથી બે વ્યક્તિઓ દોડીને બહાર આવે છે. જ્યારે ઝાડ નીચેના ઉભેલા માણસ પૈકી એક વ્યક્તિ પોતાની પાસે રહેલું હથિયાર કારમાંથી ઉતરી આવેલા વ્યક્તિ તરફ તાકે છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં કારમાંથી નીચે ઉતરીને ફાયરિંગ કરનારા વ્યક્તિનું નામ દિવ્યરાજસિંહ સરવૈયા હોવાનું સામે આવ્યું છે. તેમજ જે વ્યક્તિએ દિવ્યરાજસિંહ સામે હથિયાર તાક્યું હતું તેનું નામ રામદેવ ડાંગર હોવાનું સામે આવ્યું છે. દિવ્યરાજસિંહ તેમજ રામદેવ ડાંગરને કેટલાક વ્યક્તિઓ પકડીને એકબીજાથી દૂર લઈ ગયા હતા. જે દરમિયાન દિવ્યરાજસિંહે પોતાની પાસેના હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આમ બંને દ્વારા એકબીજાને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. સાથે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

ઘટનાની વિગતો મુજબ, દિવ્યરાજસિંહ સરવૈયાએ પોતાના પરવાનાવાળા હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, જેમાંથી એક રાઉન્ડ રામદેવ સામે અને એક હવામાં કરવામાં આવ્યો હતો. બીજી તરફ, રામદેવ ડાંગર પણ ગેરકાયદે હથિયાર સાથે ફાયરિંગ કરવાની સ્થિતિમાં હતો, પરંતુ ત્યાં હાજર અન્ય લોકોએ સમયસૂચકતા વાપરી બંનેને છૂટા પાડતા મોટી જાનહાનિ ટળી હતી.

બંન્ને પક્ષે સમાધાન થતા પોલીસ ફરિયાદી બની

બંને પક્ષના વ્યક્તિઓએ કાયદાકીય કાર્યવાહી થવાની બીકના કારણે એકબીજા સામે પોલીસ ફરિયાદ કરી ન હતી તેમજ બનાવની જાણ પણ કરી ન હતી. જેથી સમગ્ર મામલે પોલીસે ફરિયાદી બની બંને વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.

એસીપી સાઉથ ડિવિઝન બી.જે. ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં રામદેવ ડાંગર હિસ્ટ્રીશીટર હોવાનું સામે આવ્યું છે. રામદેવ ડાંગર વિરુદ્ધ 15 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે. જેના વિરુદ્ધ અગાઉ પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ થોડાક સમય પૂર્વે જ તેને કોઈ ગુનામાં જામીન મળતા તે બહાર આવ્યો છે.

રામદેવ ડાંગર વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, રાયોટિંગ, પોલીસની ફરજમાં રૂકાવટ તેમજ બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવા સહિતની કલમ અંતર્ગત ગુના નોંધાઈ ચૂક્યા છે. પૈસાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. દિવ્યરાજસિંહ સરવૈયા પાસે પરવાના વાળું હથિયાર હોવાનું સામે આવ્યું છે. જ્યારે રામદેવ ડાંગર પાસે ગેરકાયદેસર હથિયાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસ બંનેના હથિયાર કબજે કરીને FSLમાં પરીક્ષણ અર્થે મોકલશે. તેમજ દિવ્યરાજસિંહ સરવૈયા પાસે રહેલું પરવાના વાળું હથિયાર રદ કરવા બાબતે પોલીસ કમિશનરને લેટર લખવામાં આવશે. ચૂંટણીના જાહેરનામા અંતર્ગત દિવ્યરાજસિંહ સરવૈયાએ પોતાનું હથિયાર પોલીસમાં જમા કરાવ્યું હતું. જોકે બે દિવસ પૂર્વે જ આચારસંહિતા હટતા તેણે જમા કરાવેલું હથિયાર પાછું મેળવ્યું હતું. દિવ્યરાજસિંહ સરવૈયા નિવૃત્ત એએસઆઈ પુત્ર હોવાનું સામે આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande