
ભાવનગર,11 મે (હિ.સ.) મહુવા તાલુકાના માળવાવ મુકામે લખપતી દીદી લોન અરજી પ્રક્રિયા અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ખાતે મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન ભાવનગરથી કોરડીયા તેમજ ડી.એલ.એમ., જિલ્લાના ફાર્મ નોન ફાર્મ અને માઇક્રો ફાઇનાન્સ વિભાગના એ.પી.એમ. અધિકારીઓ, મહુવા તાલુકા પંચાયતના ટી.એલ.એમ. તથા તાલુકા પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
મુલાકાતનો મુખ્ય હેતુ લખપતી દીદી યોજના અંતર્ગત મહિલાઓને સ્વરોજગાર માટે મળતી લોન પ્રક્રિયાને વધુ સરળ અને અસરકારક બનાવવાનો હતો. અધિકારીઓએ બેન્ક મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી મહિલાઓને લોન મંજૂરી, જરૂરી દસ્તાવેજો, સ્વસહાય જૂથોની ભૂમિકા અને આવનારા સમયમાં વધુ બહેનોને યોજનાનો લાભ કેવી રીતે મળી શકે તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ અમલમાં છે, જેમાં લખપતી દીદી યોજના ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને નાના ઉદ્યોગ, પશુપાલન, ઘરઆધારિત વ્યવસાય તથા અન્ય રોજગારી પ્રવૃત્તિઓ માટે સહાયરૂપ લોન ઉપલબ્ધ બને છે.
બેન્ક અધિકારીઓએ પણ મહિલાઓને સમયસર સહાય અને યોગ્ય માર્ગદર્શન આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાન વિવિધ સ્વસહાય જૂથોની કામગીરી, લોન અરજીની સ્થિતિ અને ભવિષ્યમાં યોજાનારી તાલીમ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમથી મહિલા સશક્તિકરણને વધુ વેગ મળશે અને ગ્રામ્ય મહિલાઓ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA