
ભાવનગર,15 મે (હિ.સ.)ભાડાની રિક્ષા ચલાવીને મુશ્કેલીથી જીવનનિર્વાહ કરી રહેલા રિક્ષાચાલકોને આત્મનિર્ભર બનાવવા અને જીવનનિર્વાહની નિશ્ચિંતતા આપવાની રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની, કરુણા ભાવનાથી ભાવનગરના 35 રિક્ષા ચાલકોને ઓટોરિક્ષાની અર્પણતા કરવાનો સમારોહ ભાવનગરના માનનીય કલેક્ટર મનીષભાઈ બંસલ અને બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ઉલ્લેખનીય છે કે, સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ (યુ.એસ.એ.) ના મનુભાઈ શાહ અને રીકાબેન શાહના અનુદાનના સહયોગે તેમજ અર્હમ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે રાજકોટ, કચ્છ, જુનાગઢ, મુંબઈ આદિ ક્ષેત્રોના 650થી વધુ રિક્ષાચાલકોને રિક્ષા અર્પણ કરીને એમને જીવનનિર્વાહની નિશ્ચિંતતા આપવાની ઉમદા માનવતા જ્યારે સમગ્ર સમાજને સહાયધર્મની દિશા આપી રહી છે, ત્યારે આ માનવતાના કાર્યમાં ઓર એક પીછું ઉમેરાયું હતું, ભાવનગરના 35 રિક્ષા ચાલકોને ઓટોરિક્ષા અર્પણ કરીને.
અર્હમ ઓટો રિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત, અગાઉ પણ ભાવનગરના 18 રિક્ષાચાલકોને રિક્ષા અર્પણ કરવામાં આવી છે. 15/5 ના ફરીને આ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલા સમારોહમાં માનનીય કલેક્ટર સાથે કિર્તિભાઈ સખપરા, નિશિતભાઈ મહેતા, આદિ શ્રેષ્ઠિવર્યો વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
ઉદારહૃદયા અનુદાતા મનુભાઈ અને રીકાબેન શાહની ઉદારભાવનાની પ્રશસ્તિ કરવા સાથે આ અવસરે જરૂરિયાતમંદ જીવોની સહાય કરીને એમના જીવનમાં આનંદ પ્રસરાવવાની પ્રેરણા આપતા પરમ ગુરુદેવે લાઈવના માધ્યમે ફરમાવ્યું હતું કે, દરેક નાની વ્યક્તિના પણ મોટા મોટા સ્વપ્ન હોય શકે છે માટે જ આપણી સારી પરિસ્થિતિમાં કોઈની પરિસ્થિતિ સારી કરવા માટે સહાય આપીએ. આજે જે કોઈને આશરો આપે છે એને પોતાને ભવિષ્યમાં આશરો મળી જ જતો હોય છે.આ અવસરે માનનીય કલેક્ટર મનીષભાઈ બંસલના હસ્તે, રિક્ષાચાલકોને ઓટોરિક્ષાની ચાવી અર્પણ કરવામાં આવતા સર્વત્ર હર્ષ હર્ષ અને આનંદ છવાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA