




- પતિના મૃત્યુ બાદ વિધવા પત્નીએ વારસદારની સહી કરાવી અનેક દસ્તાવેજો નકલી ઉભા કર્યા
- 3 નોટરી વકીલ, 2 મૃતક મળી 7 લોકો સામે નકલી દસ્તાવેજનો ગુનો દાખલ
- 2017માં પાર્થિવ દેસાઈના અવસાન બાદ 2015ની અરજીમાં 2045 સુધી વિમારઝુ સોલ્ટને રીન્યુ કર્યું
- વલી હાજી ઈસપદાદાભાઈનું 2015માં મૃત્યુ બન્ને ભાગીદારોના મૃત્યુ બાદ નકલી દસ્તાવેજો 2021–22માં બન્યા
ભરૂચ, 15 મે (હિ.સ.) : ભરૂચ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રને એક વિધવા અને તેના મળતીયાઓએ નકલી દસ્તાવેજો બનાવી પોતાના પતિનું મોત થયા બાદ પણ તેને છુપાવી તેમજ અન્ય ઘણાં વારસદારોના કાગળોમાં સહીઓ કરાવી ભરૂચના 3 નોટરી વકીલો પાસે ગેરકાયદેસર રીતે નોટરી કરાવી કલેકટર કચેરીમાં રજુ કરી 2045 સુધી વિમારઝુ સોલ્ટ રીન્યુ કરાવી. વારસદારોને ઠેંગો આપતાં આખરે તમામ પુરાવા સામે આવતા વાગરા પોલીસે 3 નોટરી વકીલ, 2 મૃતક તેમજ વિધવા અને તેના મેનેજર મળી 7 લોકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરતાં જ કૌભાંડીઓ હાલ ભુર્ગભમાં ઉતરી ગયા હોય તેવા અહેવાલો મળી રહયા છે.
વાગરા પોલીસ મથકમાં વિમારઝુ સોલ્ટના મૂળ માલિકના વારસદાર તરીકે ફરીયાદીએ ફરીયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરીયાદીના દાદા વલી હાજી ઈસપદાદભાઈનું તા 06/04/2015ના રોજ અવસાન થયા બાદ તેઓએ જે તે સમયે પાર્થિવ લક્ષ્મણ દેસાઈ સાથે ભાગીદારી કરી હતી અને વિમારઝુ સોલ્ટનું રીન્યુઅલ 2015માં પૂર્ણ થતાં તેને રીન્યુ કરવા પાર્થિવ દેસાઈએ તા. 24/08/2015ના રોજ અરજી કરી હતી અને તે દરમ્યાન પાર્થિવ દેસાઈનું પણ તા. 13/10/2017ના રોજ અવસાન થયું અને ત્યારબાદ 2021–22માં વિમારઝુ સોલ્ટની રીન્યુ કરવાની પ્રોસેસ કલેકટર કચેરીમાં થતાં ભાગીદાર અને પાર્ટનર બન્નેના અવસાન બાદ રીન્યુ ન થઈ શકે તેમ હોવાના કારણે પાર્થિવ દેસાઈની પત્ની રોહિણી દેસાઈએ મીઠાનો અગર હાથમાંથી જતો ન રહે તે માટે નકલી દસ્તાવેજો ઉભા કરવા માટે વલી હાજી ઈસપદાદાભાઈના પ્રથમ વારસદાર પાસે કાગળમાં સહી કરાવી સમગ્ર નકલી દસ્તાવેજો ઉભા કરવાનું આખું ષડયંત્ર ઉભુ કરી નાખી વિમારઝુ સોલ્ટ નકલી દસ્તાવેજો ઉપર રીન્યુ કરાવતાં જ વલી હાજી ઈસપદાદાભાઈના વારસદારોએ વિમારઝુ સોલ્ટ દાદાનો હોય તો તેમની સામે ભાગીદારી કરનાર પણ મૃત્યુ પામે તો સીધી લીટીમાં સોલ્ટ મૂળ સ્થિતિમાં આવી જતો હોય પરંતુ તેમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે.
ફરિયાદમાં આક્ષેપ મુજબ પાથિૈવ દેસાઈના અવસાનની વાત તેમની પત્ની રોહિણી દેસાઈએ સરકારી કચેરીમાં છુપાવી છે અને તેનો જવાબ આર.ટી.આઈ.માં અમને મળ્યો છે અને આ સંપૂર્ણ નકલી દસ્તાવેજ પ્રથમ કલેકટર કચેરી ચીટનીશ શાખામાંથી વિમારઝુ સોલ્ટને તા. 01/08/2022ના રોજ મીઠા ઉત્પાદન માટે જમીનમાં ભાડા પટ્ટા માટે વારસદારોના નામ દાખલ કરવા બાબતની જાણ અને તા. 26/12/2022ના રોજ લીઝ એગ્રીમેન્ટ અને સાક્ષીઓને ઓળખ પુરાવા સાથે હાજર રહેવાનું ફરમાન કરતાં તેમાં પણ રોહિણી દેસાઈએ લીઝ એગ્રીમેન્ટ કર્યા હોય જો કે તે લીઝ એગ્રીમેન્ટ સાથે અન્ય વારસદારોના દસ્તાવેજો ખોટા બનાવટી અને સાક્ષીઓ પણ શંકાના દાયરામાં હોય અને આ સમગ્ર કૌભાંડ પાર્થિવ દેસાઈની વિધવા રોહિણી દેસાઈ અને તેના મેનેજર વિઠ્ઠલ શિંદે તથા ભરૂચના અલગ અલગ નોટરીઓ પાસે ખોટી રીતે નોટરીઓ કરાવી સાચા તરીકે રજુ કરાવી કલેકટર કચેરી વિભાગના અધિકારીઓને પણ ગેરમાર્ગે દોરી મૂળ વારસદારો સાથે છેતરપીડીં વિશ્વાસઘાત સહિત અગર પણ આરોપીઓએ પચાવી પાડયો હોય તેવી ફરીયાદ આખરે વાગરા પોલીસ મથકમાં નોંધાઈ છે.
વાગરા પોલીસમાં ફરીયાદીએ ફરીયાદ આપતાં પોલીસે ષડયંત્ર ઉભુ કરવા બાબતે 120(બી) તથા નકલી દસ્તાવેજો તૈયાર કરી સાચા તરીકે સરકારી કચેરીમાં રજુ કરવા બાબતે 465, 467, 468,471 અને 420 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓનું પગેરું મેળવવાના પ્રયાસ પોલીસ મથકના પી.આઈ. શકિતસિંહ ગોહિલ સમગ્ર મામલે તપાસ કરી રહયા છે.
આરોપીઓના નામ:
(1) રોહિણી પાર્થિવ દેસાઈ રહે. દલામલ કોર્ટ, મુંબઈ સીટી
(2) વિઠઠલ શીંદે (વિમારઝુ સોલ્ટનો મેનેજર) રહે. મુંબઈ
(3) રૂપલ મોદી (નોટરી–વકીલ) રહે. ભરૂચ
(4) બકુલા બિપીનભાઈ પટેલ (નોટરી –વકીલ) રહે. ભરૂચ.
(5) ચિરાગ પરમાર (નોટરી–વકીલ) ભરૂચ તથા અન્ય 2 મૃતક મળી 7 લોકો સામે વાગરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.
2021-22માં કરોડો રૂપિયાના મીઠાના અગરને પોતાનો કરવા માટે વિધવા એ તેના મળતીયાઓ સાથે નકલી અને બનાવટી દસ્તાવેજો ઉભા કરી તેને કલેકટર કચેરીમાં સાચા તરીકે ઉપયોગ કરતાં કલેકટર કચેરીના અધિકારીઓને પણ ઉલ્લુ બનાવ્યા હોય જેના કારણે આ તપાસમાં સરકારી અધિકારીઓની પણ કડક પુછપરછ કરી તપાસમાં સંડોવણી આવશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે.
06/02/2023ના રોજ પૂર્વ કલેકટર તુષાર સુમેરાની સહિ એક લીઝ એગ્રીમેન્ટમાં દર્શાવેલ છે જેમાં પણ વિમારઝુ સોલ્ટના મેેનેજર વિઠ્ઠલ શીંદે અને નિવૃત સોલ્ટ ઈન્સ્પેકટર રમણ પટેલ રહે. મંગલ તીર્થનાઓ સાક્ષી તરીકે દર્શાવેલ છે અને લીઝ એગ્રીમેન્ટમાં રોહિણીની દેસાઈની સહી દર્શાવેલ છે અને જેની સાથે એગ્રીમેન્ટ કરેલા છે તેમાં મૃતકના વારસદારની સહી પણ શંકાસ્પદ હોવાના કારણે લીઝ એગ્રીમેન્ટ પણ નકલી અને બનાવટી હોય તેવું તપાસમાં બહાર આવી શકે તેવી શકયતાઓ પણ વર્તાઈ રહી છે.
વિમારઝુ સોલ્ટના નકલી દસ્તાવેજો મામલો છેલ્લા પાંચ મહિનાથી વિવાદમાં રહયો હતો અને આર.ટી.આઈ.માં આરોપીઓએ પાર્ટનરશીપ ડીડ નોટરી વગરની કલેકટર કચેરીમાં રજુ થઈ હતી જે આર.ટી.આઈ.માં મળી અને તે જ પાર્ટનરશીપ ડીડ વાગરા પોલીસ મથકમાં આર.ટી.આઈ.માં ચિરાગ પરમાર નોટરી–વકીલે નોટરી કરી હોય તેવું મળી આવતાં નોટરી પણ જુની તારીખમાં કરીને કૌભાંડને છુપાવવાનો પ્રયાસ કરતાં આખરે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં વાગરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પાર્ટનર અને ભાગીદારના અવસાન બાદ વર્ષ 2021-22માં મીઠાનો સોલ્ટ જાળવણી રાખવા માટે નકલી દસ્તાવેજો બનાવી કલેકટર કચેરીમાં રજુ થતાં હોય અને તેજ દસ્તાવેજો ઉપર મીઠાનો અગર 2045 સુધી રીન્યુ કરવામાં આવે તે અધિકારીઓ માટે પણ એક ગંભીર બાબત છે અને હાલમાં જ ફરીયાદીએ ફરીયાદ કરતાં નકલી દસ્તાવેજો પણ સામે આવ્યા છે અને આ મામલે પોલીસ પણ ગંભીરતા પૂર્વક તપાસ કરી રહી હોવાનું ફરીયાદીના વકીલ વિવેક મકવાણાએ જણાવ્યું હતું .
ઘણી વખત નોટરી વકીલો વધુ રૂપિયા કમાવવાની લાલચે આડેધડ નોટરી કરતાં હોય છે અમારા કેસમાં પણ ભરૂચના ત્રણ નોટરી વકીલોએ ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું છે મારા પિતા નોટરી વકીલ રૂબરૂ ગયા જ નથી છતાં પણ રૂપલબેન મોદીએ નોટરી કરી દીધું. મારી ફોઈઓ વિદેશમાં છે છતાં તેમના અંગુઠા, સહી નકલી કરી રૂબરૂ હાજર ન હોવા છતાં બકુલાબેન પટેલે નોટરી કરી દીધું અને ચિરાગ પરમારે પણ જુની તારીખમાં નોટરી કરી અમારો કરોડોનો હકક દુબાડી દેવાનું ગંભીર પ્રકારનું કૃત્ય કરેલ છે તેમ ફરીયાદીએ કહયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ