


- ગોહિલ ફાઉન્ડેશનના જયદીપસિંહ ગોહિલ, દિગ્વિજયસિંહ વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝનમાં ફરિયાદ
- મિત્રના ગીરવે મુકેલ સોનાના ઘરેણાં છોડાવી આપવાનું કહી ઘરેણાં અન્ય સોનીને વેચી મારી છેતરપીંડી કરી
- સોની સાથે છેતરપીંડી કરતા વાલિયાના બે ભાઈઓ વિરુદ્ધ 15 લાખની છેતરપિંડીની ફરિયાદ
ભરૂચ, 15 મે (હિ.સ.) : અંકલેશ્વર શહેરના દીવા રોડ પર આવેલી શ્રી દર્શન સોસાયટીમાં રહેતા અને સોના ચાંદીના દાગીનાના વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશ ધીરજલાલ સોનીએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ધાકધમકી અંગેની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં વાલિયા ડહેલી ગામના જયદીપસિંહ નરપતસિંહ ગોહિલ અને તેના ભાઈ દિગ્વિજયસિંહ ગોહિલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
ફરિયાદની વિગતો મુજબ, નિરવસિંહ સોલંકીના સોનાના દાગીના અંકલેશ્વરના ગોલ્ડન ટ્રેડ સેન્ટરમાં આવેલી IIFL ગોલ્ડ ફાઇનાન્સમાં બે અલગ અલગ એકાઉન્ટમાંથી એકમાં 9.28 લાખ અને બીજામાંથી 6.65 લાખ મળી 14.94 લાખની લોન સોના ઉપર લીધી હતી. આ દાગીનાનું કુલ વજન આશરે 240.43 ગ્રામ હતું જેના પર અંદાજે 15 લાખની લોન હતી.આ લોન ભરી સોના દાગીના છોડાવવા માટે નિલેશ સોનીએ તેના છોકરાના એકાઉન્ટમાંથી નિરવસિંહ સોલંકીના એકાઉન્ટમાં 15 લાખ ટ્રાન્સફર કરાવેલા હતા .આ રૂપિયા નિલેશ સોનીની જાણ બહાર જયદીપસિંહ ગોહિલ અને તેના ભાઈએ તેના પોતાના એકાઉન્ટમાં જમા કરાવી લીધા હતા.ગીરવે રાખેલ દાગીના છોડાવી અંકલેશ્વર સમડી ફળિયામાં આવેલ અંબિકા ટચ સેન્ટર વાળા વિનોદ મરાઠેને વેચાણ આપી નિલેશ સોની સાથે છેતરપીંડી કરી હતી.જ્યારે આ બાબતે રજૂઆત કરી તો તેને ગમેતેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
15 લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત.IIFL ગોલ્ડ ફાઇનાન્સમાં ગીરો મુકેલા 240 ગ્રામ સોનાના દાગીનાનો મામલો.પૈસા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવની ગંભીરતા ત્યારે વધી જ્યારે આરોપીઓએ સોનાના દાગીનાના નાણાં વસૂલ્યા હોવા છતાં ફરિયાદીના ખાતામાં નક્કી કરેલી રકમ જમા કરાવી ન હતી. ફરિયાદી દ્વારા જ્યારે પોતાના 15 લાખ રૂપિયા પરત માંગવામાં આવ્યા, ત્યારે આરોપીઓએ ગલ્લાંતલ્લાં કરવાનું શરૂ કર્યું હતું વધુમાં, જ્યારે નિલેશ સોનીએ ઉઘરાણી ચાલુ રાખી ત્યારે આરોપીઓએ તેમને બિભત્સ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ ઘટના સંદર્ભે પદ્મનાભ જ્વેલર્સના નિલેશ સોનીએ અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકે બીએનએસની કલમ 318( 4) ,54,351( 3 ) ,352 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ આ સમગ્ર છેતરપિંડીના રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ