
પોરબંદર, 15 મે (હિ.સ.) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ પોરબંદર જિલ્લામાં ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ. 6,000ની સહાય ત્રણ હપ્તામાં ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા યોજના હેઠળના તમામ લાભાર્થી ખેડૂતો માટે “e-KYC” કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. “e-KYC” પૂર્ણ ન કરાવનાર ખેડૂતોને આગામી રૂ. 2,000નો હપ્તો મળશે નહીં.
ખેડૂત લાભાર્થીઓ આગામી હપ્તાની રકમ મેળવવા માટે વિવિધ પદ્ધતિઓ દ્વારા સરળતાથી “e-KYC” પૂર્ણ કરી શકે છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસર દ્વારા પીએમ કિસાન મોબાઇલ એપના માધ્યમથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા “e-KYC” કરવામાં આવે છે. ઉપરાંત, નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) તથા ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા પણ “e-KYC” કરાવી શકાય છે.
લાભાર્થી ખેડૂત પોતે પણ પીએમ કિસાન મોબાઇલ એપમાં Login → Login Type → Beneficiary વિકલ્પ પસંદ કરીને આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબરના આધારે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પોતાનું તેમજ અન્ય 100 લાભાર્થીઓ સુધીનું “e-KYC” પૂર્ણ કરી શકે છે. આ ઉપરાંત, ઈ-ગ્રામ કેન્દ્ર, CSC સેન્ટર, પોસ્ટ પેમેન્ટ બેંક અથવા PM Kisan Portal પર Farmer Corner માં “e-KYC” મેનુ મારફતે પણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.
પોરબંદર જિલ્લાના પી.એમ. કિસાન યોજના હેઠળના તમામ લાભાર્થી ખેડૂતોએ વહેલી તકે ફરજિયાત “e-KYC” પૂર્ણ કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી, પોરબંદર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya