ગાંધીનગર મનપા દ્વારા પંચમેશ્વર સર્કલ ખાતે અત્યાધુનિક એઆઈ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી
ગાંધીનગર, 02 મે (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના PDPU રોડ પર આવેલા મહત્વના પંચમેશ્વર સર્કલ (હેપીનેસ સર્કલ) ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી આધારિત સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટ્રાફિકના સુચારુ સ
AI સિગ્નલ


ગાંધીનગર, 02 મે (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના PDPU રોડ પર આવેલા મહત્વના પંચમેશ્વર સર્કલ (હેપીનેસ સર્કલ) ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી આધારિત સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ટ્રાફિકના સુચારુ સંચાલન અને મુસાફરીના સમયમાં ઘટાડો કરવાના હેતુથી આ જંકશનને હાઈ-ટેક ઉપકરણોથી સજ્જ કરવામાં આવ્યું છે.

આ સિસ્ટમમાં SWARCO ITC-3 ટ્રાફિક કંટ્રોલર અને FLIR TrafiCam AI ડિટેક્શન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં પ્રથમવાર આ જંકશન પર Reytek ઈલ્યુમિનેટેડ LED કેન્ટિલિવર સિગ્નલ પોલ્સ લગાવવામાં આવ્યા છે, જે માર્ગ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વના છે.

નવી સિસ્ટમની તકનીકી વિગતો અને ફાયદા:

ડાયનેમિક ટ્રાફિક કંટ્રોલ: પંચમેશ્વર સર્કલ પર લગાવેલું SWARCO ITC-3 કંટ્રોલર રિયલ-ટાઇમમાં વાહનોની સંખ્યાનું વિશ્લેષણ કરે છે. તે ટ્રાફિકની ગીચતા મુજબ સિગ્નલના સમયમાં આપમેળે ફેરફાર કરે છે, જેથી વાહનચાલકોને જંકશન પર બિનજરૂરી ઉભા રહેવું પડશે નહીં.

AI-આધારિત સેન્સર્સ: FLIR TrafiCam AI કેમેરા ૨૪ અલગ-અલગ ઝોનમાં વાહનો અને રાહદારીઓની ગતિવિધિનું સચોટ નિરીક્ષણ કરે છે. આ ટેકનોલોજી પરંપરાગત સિસ્ટમ કરતા વધુ ઝડપી અને ચોક્કસ પ્રતિસાદ આપે છે.

LED કેન્ટિલિવર પોલ્સ: રાજ્યમાં પ્રથમવાર ઉપયોગમાં લેવાયેલા આ સ્પેશિયલ LED પોલ્સ રાત્રિના સમયે અને ખરાબ હવામાનમાં પણ દૂરથી સ્પષ્ટ દેખાય છે. તેનાથી સિગ્નલ ભંગની ઘટનાઓ ઘટશે અને વાહનચાલકોની સુરક્ષામાં વધારો થશે.

સ્માર્ટ ડેટા એનાલિસિસ: આ સિસ્ટમ દ્વારા એકત્રિત કરવામાં આવતો ડેટા ગાંધીનગર મહાનગરપાલિકાને ભવિષ્યના ટ્રાફિક આયોજન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મદદરૂપ થશે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ આધુનિક ટેકનોલોજીના અમલીકરણથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બની છે.

આગામી સમયમાં શહેરના અન્ય વ્યસ્ત જંકશનો પર પણ તબક્કાવાર આ પ્રકારની ઇન્ટેલિજન્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande