
વલસાડ, 02 મે (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (એલ.સી.બી.) દ્વારા દમણ ખાતેથી ગુજરાતમાં ચોરીછૂપીથી લાવવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે વાપી તાલુકાના નામધા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સ્ટાર સિટી પાછળના ખુલ્લા મેદાનમાં તળાવ પાસે ઉભેલી સફેદ રંગની મારુતિ સુઝુકી ઈકો કાર (નં. GJ-15-CS-1995) માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (વ્હીસ્કી) ના 19 બોક્સ, કુલ 912 બોટલો (164.160 લીટર) કિંમત રૂ. 2,51,616 નો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ કારની કિંમત રૂ. 5,00,000 ગણાતા કુલ રૂ. 7,51,616 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ મામલે કાર ચાલક પ્રિયાંક ઉર્ફે પીયુ રાકેશભાઈ પટેલ (રહે. નામધા, તા. વાપી) ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આરોપી સામે અગાઉ પણ પ્રોહીબિશન એક્ટ તથા અન્ય ગુનાઓ હેઠળ અનેક કેસ નોંધાયેલા છે.
આ કામગીરી સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી.
કાર્યવાહી દરમ્યાન પો.સ.ઇ. જે.જી. વસાવા તથા સ્ટાફના મહેન્દ્ર ગુરજીભાઈ, તેજપાલસિંહ મહેન્દ્રસિંહ અને હિતેશભાઈ હમલભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
હાલમાં કબજે કરાયેલ મુદ્દામાલ વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha