
સુરત, 02 મે (હિ.સ.) : 28મી એપ્રિલનાં રોજ જાહેર થયેલ ચુંટણી પરિણામોમાં સુરત સહિત રાજ્યની 15 મહાનગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ આજથી તમામ મહાનગર પાલિકાઓમાં મેયર સહિતનાં મુખ્ય પદાધિકારીઓની નિમણૂંક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના ખાતે ભાજપ કાર્યાલયમાં સવારથી જ ત્રણેય નિરીક્ષકો દ્વારા અલગ - અલગ વોર્ડનાં કોર્પોરેટરોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા અને બપોર બાદ સંગઠનનાં હોદ્દેદારો અને ત્યારબાદ ધારાસભ્ય અને સાંસદોનો અભિપ્રાય લેવામાં આવશે. આજે સવારથી જ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયાને કારણે ભાજપ કાર્યાલય પર વધુ એક વખત કોર્પોરેટરો અને સંગઠનનાં હોદ્દેદારોની હાજરીને પગલે ભારે ભીડનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.
સુરત મહાનગર પાલિકાનાં 30 વોર્ડની 120 બેઠકો પૈકી 115 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનું બુલડોઝર ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીનાં ચાર અને કોંગ્રેસનાં એક ઉમેદવારને બાદ કરતાં તમામ બેઠકો પર ભાજપનાં ઉમેદવારોના વિજય બાદ છેલ્લા ચાર દિવસથી પાલિકામાં મેયર સહિતનાં પદાધિકારીઓનાં નામોની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ દરમિયાન આજથી સુરત મહાનગર પાલિકાનાં પદાધિકારીઓની નિમણૂંક માટે નિરીક્ષક શબ્દચરણ બ્રહ્મભટ્ટ, મયુર રાવલ અને જાહ્નવી વ્યાસ કમલમ ખાતે પહોંચ્યા હતા. સવારે પ્રારંભિક તબક્કામાં વરાછા અને કરંજનાં વિસ્તારનાં કોર્પોરેટરોને સાંભળ્યા બાદ લગભગ પાંચ વાગ્યા સુધી 115 કોર્પોરેટરોને નિરીક્ષકો રૂબરૂમાં સાંભળશે અને ત્યારબાદ સાંજે પાંચ વાગ્યા બાદ સુરત મહાનગર પાલિકાનાં સંગઠનનાં પદાધિકારીઓ અને ધારાસભ્યો બાદ અંતિમમાં સાંસદોનો સેન્સ લેવામાં આવશે. સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા અંતિમ રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર મોકલવામાં આવશે. સંભવતઃ મંગળવાર સુધીમાં ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને ત્યારબાદ સુરત સહિત તમામ મહાનગર પાલિકાનાં મેયર સહિતનાં મુખ્ય પદાધિકારીઓનાં નામની યાદી જાહેર કરવામાં આવશે.
પાર્ટીનો નિર્ણય સર્વોપરીઃ મોટા ભાગનાં કોર્પોરેટરોનો એક જ જવાબ
સુરત મહાનગર પાલિકામાં વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને જેને પગલે પાર્ટી દ્વારા આજથી વિજેતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉધના ખાતે ભાજપ કાર્યાલય પર પહોંચેલા તમામ કોર્પોરેટરો પૈકી મોટા ભાગનાં કોર્પોરેટરોએ નિરીક્ષકો સમક્ષ હોદ્દાની માંગણી કરવાનું ટાળ્યું હતું અને પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેટરો દ્વારા પાલિકામાં મહત્વપૂર્ણ હોદ્દા પર બિરાજવાને બદલે પાર્ટી દ્વારા જે કંઈ પણ જવાબદારી સોંપવામાં આવે તેમાં રાજી હોવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો છે.
ભાવિશા પટેલ હાથમાં નીડલ સાથે નિરીક્ષક સમક્ષ હાજર થયા
વોર્ડ નં. 1 (જહાંગીરપુરા - વરીયાવ - છાપરાભાઠા - કોસાડ)ની બેઠક પરથી ચુંટાઈ આવેલા ભાજપનાં ઉમેદવાર ભાવિશા પટેલ આજે સવારે નિરીક્ષકો સમક્ષ હાથમાં લીડર લાગેલી હાલતમાં પહોંચ્યા હતા. આ દ્રશ્ય જોઈને નિરીક્ષકો પણ એક તબક્કે અસમંજસમાં મુકાયા હતા અને પુછપરછ કરતાં તેઓ છેલ્લા બે દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવારગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. અલબત્ત, આજે સેન્સ પ્રક્રિયાને કારણે તેઓ પાર્ટીના વફાદાર સૈનિકની જેમ નિરીક્ષકો સમક્ષ હાજર થા હતા અને પોતાની રજુઆત તેઓએ ત્રણેય નિરીક્ષકો સમક્ષ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે