ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી: ‘જલસા સ્ટ્રીટ’માં ઉમટ્યું માનવ મહેરામણ, કુશલ ગઢવી અને બાળકલાકારોએ જમાવ્યું આકર્ષણ
ગાંધીનગર, 02 મે (હિ.સ.) : ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ''જલસા સ્ટ્રીટ'' કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન (ઘ-૪) ખાતે યોજાયેલા આ સાંસ્કૃતિક ઉત્સ
જલસા સ્ટ્રીટ


ગાંધીનગર, 02 મે (હિ.સ.) : ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'જલસા સ્ટ્રીટ' કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન (ઘ-૪) ખાતે યોજાયેલા આ સાંસ્કૃતિક ઉત્સવમાં ગાંધીનગરના હજારો નાગરિકો સહપરિવાર ઉમટી પડ્યા હતા અને કલા અને સંગીતની આ સાંજને માણી હતી.

કાર્યક્રમની મનોહર શરૂઆત ગાંધીનગરના ટેલેન્ટેડ બાળકલાકારોના ગ્રુપ 'અર્બન મ્યુઝિશિયન' દ્વારા કરવામાં આવી હતી. આ નાના કલાકારોએ કીબોર્ડ, તબલા, ઢોલ અને વાંસળી જેવા વાદ્યોના સમન્વયથી લોકપ્રિય ગીતોની અદભૂત પ્રસ્તુતિ કરી હતી. ભારતીય અને પશ્ચિમી વાદ્યોના આ સુમેળભર્યા સંગીતે શ્રોતાઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું અને સૌ કોઈએ આ બાળપ્રતિભાઓને મન મૂકીને વધાવી લીધી હતી.

બાળકલાકારોની પ્રસ્તુતિ બાદ ગુજરાતના ખ્યાતનામ કલાકાર કુશલ ગઢવીએ પોતાની ગાયકીથી સ્ટેજ ગજવ્યું હતું. તેમણે રજૂ કરેલા લોકપ્રિય ગીતો અને ભજનો પર ગાંધીનગરની જનતા મન મૂકીને ઝૂમી હતી. કુશલ ગઢવીએ પોતાની આગવી છટાથી સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. ગુજરાત સ્થાપના દિવસના અવસરે યોજાયેલી આ સંગીતમય મહેફિલે નગરજનોમાં એક નવો જ ઉત્સાહ ભર્યો હતો.

આ વખતની જલસા સ્ટ્રીટમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની હાજરી હોવા છતાં મહાનગરપાલિકાના સુચારુ વ્યવસ્થાપનને કારણે નાગરિકોએ શાંતિપૂર્વક કાર્યક્રમનો આનંદ લીધો હતો. સ્થાપના દિવસની આ ઉજવણી નગરજનોના ઉત્સાહનું પ્રતિક બની રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande