
નવી દિલ્હી, 02 મે (હિ.સ.) કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ પૃથ્વી વિજ્ઞાન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડૉ. જિતેન્દ્ર સિંહે, મે મહિનામાં સંભવિત ગરમી અને લૂને લઈને જનતાને ગભરાવાને બદલે સતર્ક રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, સ્થિતિ નિયંત્રણમાં છે. હવામાનની આગાહીને યોગ્ય રીતે સમજીને અને દૈનિક જીવનની સાદી સાવચેતીઓ દ્વારા તેની અસર ઘટાડી શકાય છે.
ડૉ. સિંહે શનિવારે પોતાની કચેરીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી) ની આગાહી મુજબ દેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા વધુ તાપમાન અને હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે, પરંતુ તે સમગ્ર દેશમાં સમાન રીતે પ્રભાવી નહીં હોય. સમયસર તૈયારી અને આઈએમડી દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકાઓનું પાલન કરીને તેને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે.
ડૉ. સિંહે લોકોને સલાહ આપી કે, તેઓ પૂરતા પ્રમાણમાં પાણી પીવે, બપોરના તડકાથી બચે અને બાળકો, વડીલો તેમજ બહાર કામ કરનારા લોકોનું વિશેષ ધ્યાન રાખે. તેમણે કહ્યું કે હવામાન વિભાગની નિયમિત માહિતી (અપડેટ્સ) પર નજર રાખવી જરૂરી છે.
કૃષિ ક્ષેત્ર અંગે તેમણે કહ્યું કે, ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં રવી પાકની કાપણી માટે પરિસ્થિતિ સાનુકૂળ બનેલી છે, જોકે કેટલાક વિસ્તારોમાં ગરમીની અસર ડાંગર, મકાઈ અને કઠોળ જેવા પાકો પર પડી શકે છે. ખેડૂતોને સવાર-સાંજ ખેતરોમાં કામ કરવા અને હળવી સિંચાઈ કરવાની સલાહ આપવામાં આવી છે.
તેમણે ખાતરી આપી કે પાણી, વીજળી અને અન્ય જરૂરી સુવિધાઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી ગરમીનો સામનો કરવામાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 થી 14 મે અને 22 થી 28 મે દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતની સાથે પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી વધી શકે છે. બીજી તરફ, 1 થી 7 મે અને 15 થી 21 મે વચ્ચે અનેક ભાગોમાં વરસાદ અને વાદળોને કારણે તાપમાન સામાન્ય કે તેથી ઓછું રહેવાની શક્યતા છે.
હિમાલયના વિસ્તારોની આસપાસ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુના દરિયાકાંઠાના ભાગો, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સામાન્ય કરતા 2–4 દિવસ વધુ હીટવેવ રહેવાનું અનુમાન છે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં રાત્રિનું તાપમાન પણ વધુ રહી શકે છે, જેનાથી બફારો વધશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ