
પોંડીચેરી, નવી દિલ્હી, 02 મે (હિ.સ.) કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીમાં આગામી 4 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણીની મતગણતરીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે વ્યાપક અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળોની તૈનાતી કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ માટે કુલ મળીને 3,000 થી વધુ સુરક્ષાકર્મીઓને ફરજ પર લગાવવામાં આવ્યા છે.
પોંડીચેરીમાં 9 એપ્રિલના રોજ વિધાનસભાની ચૂંટણીઓ સંપન્ન થઈ હતી, જેમાં 30 બેઠકો માટે 1,099 મતદાન મથકો પર મતદાન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રેકોર્ડ 91.69 ટકા મતદાન નોંધાવ્યું હતું.
ઈવીએમ મશીનોને ચુસ્ત સુરક્ષા વચ્ચે અલગ-અલગ સ્થળોએ સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. પોંડીચેરી વિસ્તારના ઈવીએમ મશીનો લાસપેટ સ્થિત સરકારી મહિલા એન્જિનિયરિંગ કોલેજ, નેહરુ પોલિટેકનિક કોલેજ અને ટાગોર સરકારી આર્ટસ કોલેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ કરાઈકલની પાંચ બેઠકોના ઈવીએમ કરુણાનિધિ પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટરમાં, માહેના ઈવીએમ સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં અને યનમના ઈવીએમ સરકારી આર્ટસ કોલેજમાં રાખવામાં આવ્યા છે.
આ તમામ મતગણતરી કેન્દ્રો પર ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે, જેમાં સ્થાનિક પોલીસની સાથે અર્ધલશ્કરી દળોની તૈનાતી સામેલ છે. દરેક કેન્દ્ર પર સાવચેતી વધારી દેવામાં આવી છે અને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
મતગણતરીના દિવસે 4 મેના રોજ સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સખત રહેશે. આ માટે 1,250 પોલીસકર્મીઓને ત્રણ શિફ્ટમાં તૈનાત કરવામાં આવ્યા છે. સવારે 5 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અલગ-અલગ શિફ્ટમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં આવશે. આ ઉપરાંત 200 અર્ધલશ્કરી જવાનો પણ સુરક્ષામાં સહયોગ આપશે.
વિસ્તાર મુજબની તૈનાતી અનુસાર કરાઈકલમાં 500, માહેમાં 400 અને યનમમાં 450 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. દરેક ક્ષેત્રમાં 100-100 અર્ધલશ્કરી જવાનોની સાથે વિશેષ કમાન્ડો અને મહિલા કમાન્ડો દળોને પણ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા છે.
પોલીસ અને વહીવટી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, અગાઉની ચૂંટણીઓ દરમિયાન કેટલાક સ્થળોએ બનેલી અપ્રિય ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ વખતે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે, જેથી મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વર પ્રસાદ રાવ પીવી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ