
કચ્છ, 02 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છમાં દેશવિરોધી અને કટ્ટરપંથી માનસિકતાવાળી પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર વધુ સજાગ બન્યું છે ત્યારે ભુજ નજીકના લોડાઇ ગામમાંથી એક એવા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર આતંકવાદી સંગઠન ISISની વિચારધારાનું સમર્થન કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભારત દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને ખતરો ઊભો કરે તેવી પોસ્ટ, વીડિયો, લખાણ અને ઉશ્કેરણીજનક સામગ્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકીને ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત અને જીહાદ માટે લોકોને ભેગા થવા પ્રેરિત કરનાર આ ઇસમ સામે એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છે કડક કાર્યવાહી હાથ ધરી છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા આતંકવાદી તથા દેશવિરોધી સંગઠનો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અને કટ્ટરવાદી વિચારોના પ્રસારથી સામાજિક સુરક્ષાને જોખમ પહોંચાડતા તત્વો સામે સતત કાનૂની પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી. આ દિશામાં એસ.ઓ.જી. ભુજને ખાસ સતર્ક રહેવા જણાવાયું હતું. જેના અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર અને એમ.આર. શકોરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે આવા તત્વોની હલચલ પર નજર રાખવાની કામગીરી તેજ કરી હતી.
તપાસ દરમિયાન એસ.ઓ.જી.ને લોડાઇ ગામે રહેતા ફકિરમામદ ઇશા ગગડા નામના ૩૨ વર્ષીય શખ્સ અંગે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે તેની ગતિવિધિઓ પર ટેક્નિકલ અને માનવ સૂત્રો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ તેના ઉપયોગમાં લેવાતા મોબાઇલ ફોનની તપાસ કરતાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. આરોપીએ અલગ અલગ નામથી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એકથી વધુ એકાઉન્ટ બનાવી રાખ્યા હતા. આ એકાઉન્ટ મારફતે તે ચોક્કસ ધાર્મિક કટ્ટર વિચારસરણીને મહિમા આપતા વીડિયો, ફોટા, લખાણ અને પ્રચારાત્મક પોસ્ટ મૂકી રહ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ISIS જેવી વૈશ્વિક આતંકવાદી સંસ્થાની આઇડિયોલોજીને અનુસરતો હતો અને તે જ દિશામાં સોશિયલ મીડિયામાં પ્રચાર ચલાવી રહ્યો હતો. તેની પોસ્ટોમાં ભારત વિરોધી ભાવના, ખિલાફત સ્થાપનાની વાતો, ઇસ્લામિક યુદ્ધ માટેની ઉશ્કેરણી અને જીહાદ માટે યુવાનોને એકત્ર થવા સંદેશો સામેલ હતા. આવી સામગ્રીથી નિર્દોષ અને ભાવનાત્મક લોકો ભ્રમિત થઈ કટ્ટરપંથી માર્ગે દોરી શકાય તેવી સંભાવના જોતા પોલીસ તંત્રે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો હતો.
એસ.ઓ.જી.ના અધિકારીઓએ ડિજિટલ પુરાવાઓ એકત્ર કરી આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની જોગવાઇઓ હેઠળ પધ્ધર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આરોપીનો સંપર્ક અન્ય કોઈ કટ્ટરવાદી નેટવર્ક સાથે હતો કે નહીં, અને સોશિયલ મીડિયા મારફતે કેટલા લોકો સુધી આ ઝેરી વિચારધારાનો પ્રસાર થયો હતો. પોલીસ સૂત્રો મુજબ આરોપીના ડિજિટલ ડેટા, સોશિયલ મીડિયા કનેક્શન અને સંપર્કવર્તુળની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
દેશની આંતરિક સુરક્ષા માટે સોશિયલ મીડિયા આજના સમયમાં સૌથી મોટું હથિયાર બની ગયું છે અને તેનો દુરૂપયોગ કરીને કટ્ટરવાદી તત્વો યુવાનોને ભડકાવવાનો પ્રયાસ કરતા હોય છે. પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. દ્વારા કરવામાં આવેલી આ કામગીરીએ એકવાર ફરી સાબિત કર્યું છે કે સરહદી જિલ્લામાં દેશવિરોધી વિચારસરણીને કોઈપણ સંજોગોમાં બરદાશ્ત કરવામાં નહીં આવે. સમયસર થયેલી આ કાર્યવાહીથી સંભવિત રીતે એક ગંભીર માનસિક ઝેરના પ્રસારને રોકવામાં પોલીસને મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવે છે.
આ સમગ્ર ઓપરેશનમાં એસ.ઓ.જી. ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર, એમ.આર. શકોરીયા, પીએસઆઈ ડી.બી. વાઘેલા, આર.એલ. ચૌધરી, ટી.બી. રબારી તેમજ એસ.ઓ.જી. સ્ટાફના અન્ય કર્મચારીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. પશ્ચિમ કચ્છ પોલીસની આ કાર્યવાહી હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar