
બોટાદ, 02 મે (હિ.સ.) : બોટાદ તાલુકાના સમઢિયાળા નં. ૧ ગ્રામ પંચાયત દ્વારા ગામને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે. પંચાયતના નેતૃત્વ હેઠળ ગામની પ્રાથમિક શાળામાં વિશેષ સફાઈ કામગીરી સાથે સમગ્ર ગામમાં સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળા પરિસરમાં વર્ગખંડો, પ્રાંગણ અને આસપાસના વિસ્તારોની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માટે સ્વચ્છ અને સ્વસ્થ શૈક્ષણિક વાતાવરણ ઉભું થાય તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. શિક્ષકો અને ગ્રામજનો પણ આ કામગીરીમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
ગામમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે ગલીઓ, જાહેર સ્થળો અને માર્ગોની સફાઈ કરવામાં આવી હતી. સાથે સાથે લોકોને કચરો ન ફેંકવો, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો અને પર્યાવરણને સ્વચ્છ રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વચ્છતા માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સામૂહિક જવાબદારી છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
આ અભિયાનમાં ગ્રામ પંચાયતના સભ્યો, સ્થાનિક યુવાનો, આશા કાર્યકરો અને અન્ય સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌએ મળીને “સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ”ના સંકલ્પને સાકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. સમઢિયાળા નં. ૧ ગ્રામ પંચાયતની આ પહેલ ગામના લોકો માટે પ્રેરણારૂપ બની છે. આવનારા સમયમાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી ગામને સ્વચ્છ અને હરિયાળું બનાવવામાં સહયોગ મળી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT