
ભાવનગર, 02 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા નજીક આજે અકસ્માતોની શ્રેણી સામે આવી છે, જેમાં એક કિશોર સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે એક વૃદ્ધનું દુર્ભાગ્યે મોત નિપજ્યું છે. સવારે શેત્રુંજી નદીના પુલ પર થયેલા અકસ્માતમાં એક કિશોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે સાંજના સમયે સાખડાસર-1ના પાટિયા નજીક થયેલા બીજા અકસ્માતે જીવલેણ રૂપ ધારણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, ઘોઘા તાલુકાના ભૂંભલી ગામના મૂળ રહેવાસી અને હાલ સુરતમાં સ્થાયી થયેલા પરષોત્તમભાઈ સુગભાઈ સેંતા (ઉંમર 60) તેમની પત્ની જયાબેન (ઉંમર 58) અને શીતલબેન સાથે લગ્ન પ્રસંગે તળાજા વિસ્તારમાં આવ્યા હતા. તેઓ ભગુડા અને બગદાણા ખાતે દર્શન કરી બાઇક પર પરત ફરી રહ્યા હતા.
સાંજના સમયે સાખડાસર-1ના પાટિયા નજીક રસ્તા પર આવેલા આખલા (પશુ)ને કારણે તેમની બાઇક અચાનક નિયંત્રણ ગુમાવી બેઠી હતી. આ દરમિયાન અન્ય એક બાઇક સાથે અથડામણ થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પરષોત્તમભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અકસ્માતમાં જયાબેન અને શીતલ બેનને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ છે. અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને માર્ગ સુરક્ષા અને રાત્રિ દરમિયાન રસ્તા પર આવતાં પશુઓને નિયંત્રિત કરવા અંગે તંત્ર દ્વારા કડક પગલાં લેવાની જરૂરિયાત ઉભી થઈ છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT