
નવી દિલ્હી, 26 મે (હિ.સ.) કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કાચા તેલની કિંમતોમાં ઘટાડો થવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, વર્ષ 2014 ની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ સસ્તું થયું છે, પરંતુ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થયો છે. ખડગેએ સવાલ કર્યો કે જ્યારે કાચું તેલ સસ્તું થયું તો જનતાને રાહત કેમ આપવામાં ન આવી?
ખડગેએ મંગળવારે એક્સ પર સરકારી આંકડા ટાંકીને જણાવ્યું હતું કે, 26 મે 2014 ના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી હતી, તે સમયે ભારતીય બાસ્કેટનું કાચું તેલ 108.05 ડોલર પ્રતિ બેરલ હતું અને ડોલર-રૂપિયાનો વિનિમય દર 58.59 રૂપિયા હતો. તે સમયે પેટ્રોલ 71.51 રૂપિયા અને ડીઝલ 56.71 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું હતું.
ખડગેએ જણાવ્યું કે, હાલમાં કાચા તેલની કિંમત 99 ડોલર પ્રતિ બેરલથી નીચે છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધીને અનુક્રમે 102.12 રૂપિયા અને 95.20 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલ આશરે 42.8 ટકા અને ડીઝલ લગભગ 67.9 ટકા મોંઘું થઈ ગયું છે. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવની અસર પરિવહન, ખાદ્ય ચીજવસ્તુઓ અને અન્ય જીવનજરૂરી ચીજો પર પડે છે, જેનાથી સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ વધે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ