
નવી દિલ્હી, 26 મે (હિ.સ.). ભારત અને અમેરિકાએ, મહત્વપૂર્ણ અને દુર્લભ ખનિજોના પુરવઠા, ખાણકામ અને પ્રક્રિયાને સુરક્ષિત બનાવવા માટે વ્યૂહાત્મક કરાર પર મંગળવારે હસ્તાક્ષર કર્યા. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ, ક્વાડ બેઠકથી અલગ આ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર બાદ મહત્વપૂર્ણ અને દુર્લભ ખનિજો માટે દેશની ચીન પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ કરાર હેઠળ ભારત અને અમેરિકાએ 'જરૂરી ખનિજો અને દુર્લભ તત્વોના ખાણકામ અને પ્રક્રિયામાં પુરવઠો સુનિશ્ચિત કરવા' માટે એક માળખું તૈયાર કર્યું છે. તેનો હેતુ ખાણકામ, પ્રક્રિયા, રિસાયક્લિંગ અને તેની સાથે સંકળાયેલા રોકાણ સહિત મહત્વપૂર્ણ ખનિજો અને દુર્લભ તત્વોની પુરવઠા શૃંખલામાં ભારત-અમેરિકા સહયોગને વધુ ગાઢ બનાવવાનો છે. તેનો લક્ષ્યાંક મજબૂત અને વૈવિધ્યસભર પુરવઠા શૃંખલા તૈયાર કરવાનો છે, તેમજ આ સંસાધનોના ધિરાણ અને અસરકારક સંચાલનમાં સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ કરાર ફેબ્રુઆરી 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન નક્કી કરાયેલા વિઝનને આગળ ધપાવવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તે સમયે બહાર પાડવામાં આવેલા ભારત-અમેરિકા સંયુક્ત નિવેદનમાં ઉભરતી ટેકનોલોજી અને અદ્યતન ઉત્પાદન માટે મહત્વપૂર્ણ ખનિજોના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને સુરક્ષિત પુરવઠા શૃંખલાને સહિયારી અગ્રતા ગણાવવામાં આવી હતી.
મંત્રાલયે જણાવ્યું કે, આ માળખું ભારત-અમેરિકા વચ્ચે ચાલુ સહયોગ પર આધારિત છે, જેનો હેતુ મહત્વના ક્ષેત્રોમાં પુરવઠા શૃંખલાની સુરક્ષાને મજબૂત કરવાનો છે. આ જ વર્ષે 20 ફેબ્રુઆરીએ ભારત અમેરિકાની આગેવાની હેઠળની 'પેક્સ સિલિકા પહેલ' પર હસ્તાક્ષર કરનાર દેશ બન્યો હતો. આ ઉપરાંત ભારતે 'ભારત-અમેરિકા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓપોર્ચ્યુનિટી પાર્ટનરશિપ' (કૃત્રિમ બુદ્ધિમત્તા તક ભાગીદારી) પર પણ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું.
મંત્રાલયે જણાવ્યું કે, અગાઉ વિદેશ મંત્રી જયશંકરે 4 ફેબ્રુઆરીએ વોશિંગ્ટનમાં વિદેશ મંત્રી રુબિયો દ્વારા આયોજિત મહત્વપૂર્ણ ખનિજો પર વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો. ભારત અને અમેરિકા 'ફોરમ ઓન રિસોર્સ જીઓસ્ટ્રેટેજિક એન્ગેજમેન્ટ' (ફોર્જ) પહેલ હેઠળ પણ ભાગીદારી કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ