
ભાવનગર, 26 મે (હિ.સ.) ભાવનગર શહેરમાં ફ્રી મૂવીઝ અને નવી વેબ સિરીઝ જોવાની લાલચે સસરા અને જમાઈને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર દેખાયેલી એક આકર્ષક જાહેરાતના ઝાંસામાં આવી બંનેએ અજાણતા સાયબર ઠગોના જાળમાં ફસાઈ જઈ પોતાના બેંક ખાતામાંથી કુલ રૂ.1.22 લાખ ગુમાવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર સસરા અને જમાઈ ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી રહ્યા હતા ત્યારે “ટ્યુબી ટીવી” નામની એક એપ્લિકેશનની જાહેરાત સામે આવી હતી. આ જાહેરાતમાં મફતમાં પ્રીમિયમ મૂવીઝ અને નવી વેબ સિરીઝ જોવાની ઓફર આપવામાં આવી હતી. આ લાલચમાં આવી બંનેએ જાહેરાતમાં આપવામાં આવેલી લિંક પરથી એપ્લિકેશન પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી હતી.
એપ ઇન્સ્ટોલ કરતી વખતે મોબાઇલમાં કેટલીક પરમિશન માંગવામાં આવી હતી, જેને બંનેએ અજાણતા મંજૂરી આપી દીધી હતી. આ પરમિશન મળતાની સાથે જ સાયબર ગઠિયાઓએ બંનેના મોબાઇલ ફોનનો ઍક્સેસ મેળવી લીધો હતો. થોડા જ સમયમાં તેમના મોબાઇલમાં બેંક ખાતામાંથી રૂપિયા ઉપડવાના મેસેજ આવવા લાગ્યા હતા.
સાયબર ઠગોએ સસરાના ખાતામાંથી રૂ.52 હજાર જ્યારે જમાઈના ખાતામાંથી રૂ.70 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. પોતાની સાથે મોટી ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ બંને તાત્કાલિક ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યા હતા.
પોલીસે સમગ્ર મામલે અજાણ્યા શખ્સો સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ટેકનિકલ સર્વેલન્સ, બેંક ટ્રાન્ઝેક્શન આઈડી અને મોબાઇલ ડેટાના આધારે સાયબર ગઠિયાઓ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સાયબર નિષ્ણાતોએ લોકોને અજાણી લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા તેમજ મોબાઇલમાં અનાવશ્યક પરમિશન આપતા પહેલા સાવચેતી રાખવાની અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA