
કચ્છ, 26 મે (હિ.સ.) : કચ્છમાં દારૂની હેરાફેરી સામે પૂર્વ-કચ્છ પોલીસને મોટી સફળતા મળી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરોડોની હેરાફેરીના જાળાને તોડી પાડતાં કુલ રૂ. ૯.૫૩ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂથી ભરેલો ટ્રેલર, ક્રેટા કાર, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. ૪૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પેટ્રોલિંગ અને બાતમીદારોના આધારે વોચ રાખી રહી હતી.
આ દરમિયાન એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળા અને પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી. પટેલની ટીમ ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે પડાણા ગામ નજીક આવેલી મીની પંજાબ હોટેલના પાર્કિંગમાં ઉભેલા એક ટ્રેલરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. બાતમી મુજબ ટ્રેલર સાથે એક ક્રેટા કાર પણ હતી, જે પોલીસની હિલચાલ પર નજર રાખવા તથા દારૂનો જથ્થો ખાલી કરાવવા માટે ઉપયોગમાં લેવાઈ રહી હતી.
બાતમીને આધારે એલ.સી.બી.ની ટીમે સ્થળ પર પહોંચી પાર્કિંગમાં ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રેલરમાંથી વિવિધ બ્રાન્ડની ૩૨૬૪ શીલબંધ દારૂની બોટલો તથા ૨૧૮૪ બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો કબજે કરીને ટ્રેલર અને ક્રેટા કારને પણ જપ્ત કરી હતી.
કારરવાઈ દરમિયાન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમાં ટ્રેલર ચાલક હનુમાનરામ ઓમપ્રકાશ જાંગુ, ક્રેટા કાર ચાલક રવિન્દ્રસિંહ અભયસિંહ કર્નોદ તેમજ હરીરામ રૂગનાથરામ કુલડીયા અને ત્રીલોક ભવરારામ ગોદારા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓ રાજસ્થાનના ફલોદી વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં વધુ બે આરોપીઓના નામ પણ ખુલ્યા છે, જેમાં શંભુસિંહ હરીસિંહ રાઠોડ દારૂનો જથ્થો મોકલનાર તરીકે સામે આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપી દારૂ મંગાવનાર હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં અંદાજે રૂ. ૯.૫૩ લાખનો વિદેશી દારૂ, રૂ. ૩૦ લાખનો ટ્રેલર, રૂ. ૫ લાખની ક્રેટા કાર, મોબાઇલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે. કુલ મળીને રૂ. ૪૫.૧૬ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ-કચ્છ ગાંધીધામની ટીમ દ્વારા સુચિત આયોજન અને ઝડપી કામગીરીના આધારે સફળ બની હતી. પોલીસે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar